• Gujarati News
  • National
  • લોનના નામે પાવર ઓફ એટર્ની બનાવીને મકાન વેચી નાખ્યું

લોનના નામે પાવર ઓફ એટર્ની બનાવીને મકાન વેચી નાખ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંમકાનની છેતરપિંડીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો હતો. સહકાર સોસાયટીમાં રહેતા પ્રૌઢને તેમના મકાન પર ફાયનાન્સ અપાવવાના બહાને મકાનનું પાવર ઓફ એટર્ની બનાવી લઇ મકાન બારોબાર વેચી નખાયું હતું. કૌભાંડમાં આરોપી સહિત પાંચ સામે ગુનો નોંધાયો હતો.

સહકાર સોસાયટીમાં રહેતા કેશવલાલ લાલજીભાઇ ગજેરા (ઉ.વ.58)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફાયનાન્સર શૈલેષ વસંતલાલ બદાણી, રઘુવીર સોસાયટીમાં રહેતા બળદેવસિંહ લક્ષ્મણસિંહ સિંધવ, જંગલેશ્વર સોસાયટીના મહાવીરસિંહ બળદેવસિંહ ઝાલા, રાજનગર સોસાયટીના કરણસિંહ બટુકસિંહ પઢિયાર અને એડવોકેટ અભિષેક ચાવડાના નામ આપ્યા હતા.

કેશવલાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો ભત્રીજો મનહર જેરામભાઇ ગજેરા બળદેવસિંહ સિંધવ સાથે એક સ્કિમમાં જોડાયો હતો અને તેમાં તે આર્થિક રીતે ફસાતા મનહરે બળદેવસિંહ પાસેથી નાણાં વ્યાજે લીધા હતા. બળદેવસિંહ નાણાં વસૂલવા માટે મનહર અને કેશવલાલને ધમકાવતો હતો. બાદમાં બળદેવસિંહ વતી મહાવીરસિંહે પ્રૌઢનો સંપર્ક શરૂ કર્યો હતો અને રૂ.6 લાખની માગ કરી હતી. પ્રૌઢે પોતાની પાસે આટલી રકમ નહીં હોવાનું કહેતા ફાયનાન્સ પર નાણાં અપાવીશ તેવી ખાતરી આપી બળદેવસિંહ અને મહાવીરસિંહે ફાયનાન્સ શૈલેષ બદાણી સાથે સંપર્ક કરાવ્યો હતો અને શૈલેષ પાસેથી 2 ટકા વ્યાજે રૂ.3 લાખની માસ માટેની લોન કરાવી આપી હતી. લોન માટે કેશવલાલનું સહકાર સોસાયટીમાં આવેલું મકાન ગીરો મુકવાની વાત કરી હતી અને એડવોકેટ અભિષેક ચાવડા પાસે લઇ ગયા હતા અને ત્યાં કેટલાક દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. પ્રૌઢે લોન ચૂકવી દીધા બાદ તેમને જાણ થઇ હતી કે તેમની પાસે જે દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી હતી તે ગીરોખત નહીં પરંતુ પાવર ઓફ એટર્ની મહાવીરસિંહના નામ કરાવી લીધી હતી અને મહાવીરસિંહે કરણસિંહ પઢિયારના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો. તમામે સાથે મળી કાવતરું રચી કૌભાંડ આચર્યું હતું. પોલીસે પ્રૌઢની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

એડવોકેટ સહિત પાંચ સામે ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...