• Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટવાસીઓને લાંબો ઇંતજાર કરાવ્યા બાદ અંતે મેઘરાજા રીઝ્યા

રાજકોટ | રાજકોટવાસીઓને લાંબો ઇંતજાર કરાવ્યા બાદ અંતે મેઘરાજા રીઝ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટવાસીઓને લાંબો ઇંતજાર કરાવ્યા બાદ અંતે મેઘરાજા રીઝ્યા હતા અને શુક્રવારે સવારથી મેઘાવી માહોલ છવાયા બાદ બપોરે રીમઝીમ કરતી મેઘસવારી આવી પહોંચી હતી અને સાંજ સુધીમાં બે થી અઢી ઇંચ હેત વરસાવી દીધું હતું. મેઘરાજાની સતત મહેરના કારણે રાજકોટ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. લોકોના ચહેરા પર પણ અનેરી રોનક આવી ગઇ હતી. નાના બાળકોથી માંડીને મોટેરાઓ વરસાદમાં નહાવા નીકળી પડ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના વર્તુળોએ જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરમાં સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં ઇસ્ટ ઝોનમાં બેડીપરામાં 44 મી.મી., સેન્ટ્રલ ઝોનમાં કનક રોડ પર 45 મી.મી. અને વેસ્ટ ઝોનમાં કાલાવડ રોડ પર 61 મી.મી. વરસાદ નોંધાયો છે. મેઘરાજાના આગમનના પગલે લોકોમાં હરખની હેલી પ્રસરી ગઇ હતી. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ રીંગરોડ પર વરસાદમાં મહાલવા માટે લોકો નીકળી પડ્યા હતા. બપોરથી શરૂ થયેલી મેઘસવારી સાંજે 5 વાગ્યા સુધી સતત ચાલુ રહેતા સાધુ વાસવાણી રોડ, એસ્ટ્રોન ટોકિઝના નાલા, લક્ષ્મીનગરના નાલા, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિત અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...