આજે શિક્ષક દિન: જિલ્લા-તાલુકાના નવ શ્રેષ્ઠ શિક્ષકોનું કરાશે સન્માન
બેસ્ટ શિક્ષકોનું આજે અરવિંદભાઈ મણિયાર હોલમાં કરાશે સન્માન, રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ હસ્તે સન્માનિત શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે
5મીસપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન. આજે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના 9 શ્રેષ્ઠ શિક્ષકોનું મંગળવારે અરવિંદભાઇ મણિયાર હોલમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર શિક્ષક દિન નિમિત્તે વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરનારા જિલ્લાના 4 અને તાલુકાના 5 શિક્ષકો મળી કુલ 9 શિક્ષકોનું રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીનના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ અરવિંદભાઇ મણિયાર હોલમાં યોજાનાર છે અને તેમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
એવોર્ડ સાથે શિક્ષકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે
શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ મેળવનારાઓને રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરાશે. જેમાં જિલ્લાકક્ષાના શિક્ષકોને રૂ.10 હજાર રોકડા અને તાલુકા કક્ષાના શિક્ષકોને રૂ.5 હજાર રોકડા ઇનામરૂપે અપાશે. તેમજ તમામ શિક્ષકોને શાલ ઓઢાડી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
9 શ્રેષ્ઠ શિક્ષકોનું કરાશે સન્માન
1.સરોજબેન રામાનુજ, કન્યા શાળા, કોઠી, જસદણ
2. જીતેન્દ્રકુમાર ડોડિયા, લાલાવદર પ્રાથમિક શાળા, વીંછિયા
3. ગૌતમ ઇન્દ્રોડિયા, હડમતિયા પ્રાથમિક શાળા, પડધરી
4. ભાષાબેન ઠાકર, સરકારી કન્યા વિદ્યાલય, ધોરાજી
5. નરેન્દ્રસિંહ જાદવ, પ્રાથમિક શાળા, જીવાપર, પડધરી
6. પ્રભુલાલ ભોરણિયા, પ્રાથમિક શાળા, જૂના નારણકા, પડધરી
7. જમનાદાસ લુણાગરિયા, પ્રાથમિક શાળા, કાથરોટા, ઉપલેટા
8. નિરંજની પ્રકાશભાઇ, પ્રાથમિક શાળા, વડાલી, ઉપલેટા
9. વિજય રાણપરિયા, પ્રાથમિક શાળા, સાજડિયાળી, જામકંડોરણા