આજી છલકાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંઘરે ઘરે લાપસીના આંધણ મુકાય તેવો સોનેરી ઉત્સવ શુક્રવારની મધરાતે સર્જાયો હતો. રાજકોટવાસીઓને જેમના પ્રત્યે એક અનોખી આત્મીયતા બંધાયેલી છે તેવી શહેરની મુખ્ય જીવાદોરી આજી-1 ડેમ 29 ફૂટની સપાટી ઓળંગી ઓવરફ્લો થઇ ગયો છે. ડેમ અત્યાર સુધીમાં 14મી વખત છલકાયો છે. બરોબર અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના હોમટાઉન રાજકોટ આવ્યા હોય ઓવરફ્લો થઇને રળિયામણા લાગતા આજીના નવાં નીરને વધામણાં કરવા પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં શહેરીજનોનો પ્રવાહ આજી ડેમ ભણી વહેતો થવા લાગ્યો હતો.

હજુ બે મહિના પહેલા આજી ડેમ ક્રિકેટ રમી શકાય તેવા મેદાનમાં ફેરવાયેલો હતો. સૌની યોજના સાથે જોડવાનું કામ પૂર્ણ થયા બાદ ડેમ નર્મદાનાં નીરથી ચેતનવંતો બન્યો હતો. 29 ફૂટની સપાટી ધરાવતા ડેમમાં 9 ફૂટ સુધી નર્મદાનાં નીર ઠલવાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ નર્મદા આગમનને વધાવવા માટે આવ્યા હતા. પછી નર્મદા નીરની પધરામણી ચાલુ રાખવામાં આવી હતી. ગત 14 અને 15 તારીખે પડેલા 18 ઇંચ વરસાદથી ડેમમાં ધીંગી જળરાશિ ઠલવાઇ હતી. પછી પણ ડેમના સ્ત્રાવ વિસ્તારમાં ચાલુ રહેલા હળવાથી ભારે ઝાપટાંના કારણે નવાં નીરની પધરામણી થવાનું ચાલુ હતું. ડેમ ક્યારે છલકાઇ જાય તેની આતુરતાનો અંત શુક્રવારે મધરાતે આવી ગયો હતો. ડેમના નીર ખળખળ વહેતા સપાટી ઓળંગવા લાગ્યા હતા.

દરમિયાન શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના હોમટાઉનમાં આવ્યા હોય સી.એમ. રૂપાણી ઉપરાંત મેયર ડો.જૈમન ઉપાધ્યાય, મ્યુ.કમિશનર બંછાનીધિ પાની, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના આજી ડેમે નવાં નીરના વધામણાં કરવા પહોંચી ગયા હતા. શનિવારે મોડી સાંજ સુધી શહેરીજનોનો પ્રવાહ પણ આજી ડેમ તરફ ચાલુ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...