તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહિલા મુસાફરો પર હુમલો કરી લૂંટ કરતો રિક્ષાચાલક પકડાયો

મહિલા મુસાફરો પર હુમલો કરી લૂંટ કરતો રિક્ષાચાલક પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકલદોકલ મહિલા મુસાફરોને રિક્ષામાં બેસાડી નિયત સ્થળે ઉતારવાના બદલે નિર્જન સ્થળે લઇ ગયા બાદ હુમલો કરીને લૂંટ ચલાવતા જંગલેશ્વરના દિલીપ દેવજીભાઇ ચનિયારા (ઉ.વ.32)ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે દિલીપને ચોરાઉ રિક્ષા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સે 3 લૂંટ અને જામનગરમાંથી 3 ઓટો રિક્ષાની ઉઠાંતરીની કબૂલાત આપી હતી.

મિલપરામાં રહેતા અને 3 જૂનના રાતે લીમડા ચોકમાંથી શીતલપાર્ક જવા રિક્ષામાં બેઠેલા મીતલબેન જીજ્ઞેશભાઇ આડઠક્કર(ઉ.વ.37) ને રિક્ષાચાલકે જામનગર રોડ પર રેલનગર પાસે નિર્જન સ્થળે લઇ જઇ બીભત્સ માગણી કરી હતી. માગણીના તાબે નહીં થતા રિક્ષાચાલકે સળિયાથી માર મારીને રૂ.4700 રોકડા અને મોબાઇલ લૂંટી લીધા હતા. 3 દિવસ પછી ત્રિકોણબાગથી જામનગર રોડ પર ગાયત્રીધામ જવા માટે રિક્ષામાં બેઠેલા કુંદનબેન નીતિનભાઇ ચૌહાણ (ઉ.વ.50)ને પણ જામનગર રોડ પર નિર્જન સ્થળે લઇ જઇ માથામાં પથ્થર ફટકારીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢાએ પ્રતિકાર કરતા ચાલક રિક્ષા મૂકીને ભાગી ગયો હતો.

પોલીસે લુટારાની ઓળખ મેળવવા ત્રિકોણબાગ, પોપટપરા, જામનગ રોડ અને છેક જામનગરમાં જ્યાંથી રિક્ષા ચોરી થઇ હતી ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા. દરમિયાન બન્ને લૂંટ જંગલેશ્વરમાં રહેતા અને કડિયા દિલીપ ચનિયારાએ કર્યાની યુનિવર્સિટી પોલીસમથકના કોન્સ્ટેબલ શબ્બીરભાઇ મલેક અને રવિરાજસિંહને સચોટ બાતમી મળી હતી. પીઆઇ કે.કે.ઝાલા, પીએસઆઇ વી.આર.જાડેજા, પ્રદ્યુમ્નનગરના પીએસઆઇ એચ.એમ.રાણા સહિતના સ્ટાફે રિક્ષા સાથે દિલીપને અટકાયતમાં લઇ લીધો હતો. આકરી પૂછપરછમાં તેણે રિક્ષા જામનગરમાંથી ચોરી કર્યાની તેમજ ઉપરોક્ત બે લૂંટ સિવાય પણ એક મહિલાને લૂંટવાનો પ્રયાસ કર્યાની કબૂલાત આપી હતી. દિલીપને રિમાન્ડ માટે રજૂ કર્યા બાદ ભોગ બનનાર બન્ને મહિલા પાસે ઓળખ પરેડ કરાવાશે. અન્ય કોઇ મહિલા લૂંટનો શિકાર બની હોય તો ફરિયાદ નોંધાવવા ડીસીપી કરણરાજ વાઘેલાએ અપીલ કરી છે.

રિક્ષાના નંબર ઓળખાઇ જાય તો પણ પોલીસ તેના સુધી પહોંચી શકે માટે દિલીપ સવારે જામનગર જઇ રિક્ષાની ઉઠાંતરી કરીને રાજકોટ આવી સાંજે કે રાતે લૂંટને અંજામ આપતો હતો. દરેક લૂંટમાં અલગ રિક્ષાનો ઉપયોગ કરતો હતો. પકડાયો હોત તો સોમવારે પણ એક મહિલાને લૂંટવાનો પ્લાન હતો. 6 મહિના પહેલાં લૂંટના એક ગુનામાં ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી હતી.

હુમલોકરવા હોકી જેવો લોખંડનો સળિયો બનાવ્યો છે

દિલીપેકબૂલાત આપી હતી કે, હુમલો કરવા માટે તેણે ખાસ હોકી પ્રકારનો લોખંડનો સળિયો બનાવ્યો છે જેથી પકડવામાં સહેલાઇ રહે અને હુમલા સમયે સળિયો હાથમાંથી છટકે નહીં. સળિયામાં નીચેના ભાગે લોખંડની કુંડલી મુકાવી છે. પોલીસે સળિયો કબજે કરવા તજવીજ શરૂ કરી છે.

જે દિવસે રિક્ષા ચોરે રાતે લૂંટ ચલાવતો

જામનગરમાંથી 3 રિક્ષા ચોરી કરી, રાજકોટમાં 3 લૂંટ કબૂલી

લીમડા ચોક, ત્રિકોણબાગથી રિક્ષા ભાડે કરનાર પર ઘાતક હુમલા કર્યા’તા

અન્ય સમાચારો પણ છે...