અષાઢી બીજે મેઘરાજાએ શુકન સાચવ્યું, શહેરમાં દોઢ ઇંચ વરસાદ
અષાઢમહિનાની શરૂઆતના બીજા દિવસે અષાઢી બીજે મેઘરાજાએ જાણે શુુકન સાચવ્યું હોય તેમ રાજકોટમાં રવિવારે સાંજે 5 વાગ્યા બાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અને માત્ર 40 મિનિટમાં દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતું. જોેકે મધ્ય અને પૂર્વ વિસ્તારમાં માત્ર અડધોથી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. પશ્ચિમમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બફારાથી ત્રસ્ત લોકોને વરસાદ પડવાથી થોડી રાહત થઇ હતી.
ઓણસાલ ચોમાસુ 96 ટકા રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. રાજકોટમાં સિઝનનો 7 ઇંચ વરસાદ વરસી ગયો છે. છેલ્લા એક સપ્તાહથી અસહ્ય બફારાના કારણે લોકો ત્રસ્ત હતા.
દરમિયાન રવિવારે સાંજે 5 વાગ્યા બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ વરસાવી દીધો હતો. કાલાવડ રોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે કોઇ નુકસાનીના અહેવાલ નથી.
દક્ષિણ ગુજરાતમાં નેઋત્યના ચોમાસાએ ભારે જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં પણ રવિવારે કેટલાક વિસ્તારોમાં ઝાપટાથી માંડી 3 ઇંચ સુધીનો વરસાદ થયો હતો ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 48 કલાક સુધીમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં અતી ભારે વરસાદ પડી શકે તેમ છે.
48 કલાક સુધી ભારે વરસાદની આગાહી
પશ્ચિમ વિસ્તારમાં 31 મીમી વરસાદ પડી જતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
બપોર સુધી અસહ્ય બફારા બાદ વરસાદ પડતા રાહત
રાજકોટમાં સાંજે 5 વાગ્યા બાદ વર્ષારાણીએ આગમન કર્યું