• Gujarati News
  • National
  • વરસાદી માહોલને કારણે ઠેર ઠેર ઊભેલા વીજથાંભલાઓમાં વીજકરંટ લાગવાથી

વરસાદી માહોલને કારણે ઠેર ઠેર ઊભેલા વીજથાંભલાઓમાં વીજકરંટ લાગવાથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદી માહોલને કારણે ઠેર ઠેર ઊભેલા વીજથાંભલાઓમાં વીજકરંટ લાગવાથી અબોલ જીવોનો ભોગ લેવાઇ રહ્યો છે. ત્યારે ગુરુવારે દોઢસો ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી નજીકના રહેણાક વિસ્તારમાં વીજપોલમાં કરંટ લાગવાથી ત્રણ ત્રણ ગાયનાં મોત નીપજ્યા હતા. ત્રણ-ત્રણ અબોલ જીવનાં મોત પાછળ માધાપર ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવતી પાવરચોરી કારણભૂત હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

બનાવની વિગત મુજબ, દોઢસો ફૂટ રિંગ રોડ, ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાછળ આવેલા યાગરાજનગર-2માં ગુરુવારે રાતે વીજપોલમાં કરંટ લાગવાથી એક ગાયનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ રહેવાસીઓને થતાં માનવ જિંદગીનો ભોગ લેવાય તે પહેલા તુરંત પીજીવીસીએલના રૈયા ડિવિઝનમાં ફરિયાદ કરી હતી. જેને પગલે રાતે જ વીજકંપનીના કર્મચારીઓ રિપેરિંગ કરીને ચાલ્યા ગયા હતા. દરમિયાન શુક્રવારે સવારે ફરી તે જ વીજપોલ પાસેથી વધુ બે ગાયના મૃતદેહ મળી આવતા રહેવાસીઓ ફફડી ઉઠ્યાં હતા અને ફરી આ અંગે ફરિયાદ કરી હતી. જેને પગલે રૈયા ડિવિઝનના ડે.એન્જિનિયર જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વીજથાંભલામાં કરંટ લાગવાનું કારણ શોધવા કવાયત હાથ ધરી હતી. તપાસ દરમિયાન જે વીજથાંભલામાં કરંટ આવતો હતો. તે વીજપોલ પર રહેલા વીજવાયર સાથે ચેડાં કરી ડાયરેક્ટ સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે આ અંગે રહેવાસીઓને પૂછતાં સ્ટ્રીટલાઇટ માધાપર ગ્રામપંચાયતે લગાડી હોવાનું કહ્યું હતું. આમ માધાપર ગ્રામપંચાયતનાં પાપે ત્રણ-ત્રણ અબોલ જીવોનો ભોગ લેવાયાનું ખૂલતા પીજીવીસીએલ દ્વારા માધાપર ગ્રામપંચાયતને પાવરચોરીનું બિલ ફટકારવામાં આવ્યું છે અને આ અંગે જીઇબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું ડે.એન્જિનિયર જાડેજાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...