તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દર વર્ષે 20 દી\' પહેલાં આવતા રાખડીના કવર રક્ષાપર્વ પર આ વર્ષે મળતા નથી

દર વર્ષે 20 દી\' પહેલાં આવતા રાખડીના કવર રક્ષાપર્વ પર આ વર્ષે મળતા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરાના કાંડે બહેને મોકલેલી રાખડી સમયસર અને સલામત રીતે પહોંચી જાય તે માટે પોસ્ટ વિભાગ દ્વારા વોટરપ્રૂફ રાખી કવર બહાર પાડ્યા છે, પરંતુ દશેરાએ જ ઘોડો ન દોડ્યા જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. દર વર્ષે 20થી 25 દિવસ અગાઉ આ વોટરપ્રૂફ રાખી કવર રાજકોટની તમામ પોસ્ટ ઓફિસોમાં આવી જતા હોય છે અને વિતરણ પણ શરૂ કરી દેવાય છે જેથી દેશ-વિદેશ રાખડી મોકલતા લોકોને વહેલી તકે રાખડી માટેના કવર મળી શકે અને મોકલી શકે, પરંતુ આ વર્ષે રક્ષાબંધનના તહેવારના માત્ર 7 દિવસ અગાઉ જ રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં રાખી કવર આવી પહોંચ્યા છે. જેના કારણે હવે બહુ ઓછા લોકો આ વોટરપ્રૂફ કવરનો લાભ લઇ શકશે. કારણ કે દેશ-વિદેશ રાખડી મોકલતા લોકોએ 15થી 20 દિવસ અગાઉ રાખડી મોકલી દીધી હોય છે. રાજકોટમાં પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડેલા સ્પેશિયલ વોટરપ્રૂફ રાખી કવર 20 દિવસને બદલે માત્ર 7 દિવસ અગાઉ આવતા લોકોએ અત્યાર સુધી સાદા કવરમાં રાખડી મોકલવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન સાદા કવરમાં મોકલેલી રાખડી ક્યારેક કવર ફાટી જવા, રાખડી પડી જવા, ખરાબ થઇ જવાની ફરિયાદો આવતી હોય છે. આ વોટરપ્રૂફ રાખી કવરની કિંમત રૂપિયા 10 છે. મોટાભાગે બહેનોએ સાદા કવરમાં જ રાખડી મોકલાવી પડી છે.

રાખી પંડાલ અંગે પોસ્ટ વિભાગમાં હજુ અસમંજસ
રક્ષાબંધનના તહેવાર સંદર્ભે રાજકોટથી બહારગામ-વિદેશ અને દેશના અન્ય રાજ્યોમાં રાખડી મોકલવા માગતા પરિવારો-બહેનો માટે જે તે સ્થળે પવિત્ર રક્ષા-લેટર પહોંચી જાય તે માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ સહિત શહેરની અનેક પોસ્ટ ઓફિસોમાં રાખડી અને તેના કવરો સ્વીકારવાના સ્પે. કાઉન્ટર શરૂ કરાય છે. તે ઉપરાંત યલો ચેનલ એટલે પીળા કલરની સ્પે.રાખડી માટેની જ ટપાલ પેટી પણ મૂકવામાં આવી છે, પરંતુ આ વર્ષે હજુ સુધી આવી કોઈ વ્યવસ્થા કરી નથી. રાખી પંડાલ અંગે પણ ટપાલ વિભાગ હજુ અસમંજસમાં હોવાની સ્થિતિ સર્જાઈ છે.

દર વર્ષે 35 હજારથી વધુ રાખી કવર રાજકોટથી પોસ્ટ થાય છે
રક્ષાબંધનના તહેવારમાં બહેનો દેશ-વિદેશ વસતા પોતાના ભાઈને પોસ્ટના માધ્યમથી રાખડી મોકલે છે. રાજકોટથી દર વર્ષે 35 હજારથી વધુ રાખી કવર પોસ્ટ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વોટરપ્રૂફ રાખી કવર મોડા આવતા ટપાલ વિભાગ અને લોકોને નુકસાન થયું છે.

20મીથી હેડ પોસ્ટ ઓફિસે રાખી કવર ઉપલબ્ધ કરાવાશે
રાખડી મોકલવા માટેના સ્પેશિયલ વોટરપ્રૂફ કવર હેડ પોસ્ટ ઓફિસે આવી ગયા છે અને સોમવારથી લોકોને ઉપલબ્ધ કરાવાશે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે કવરની સપ્લાય થોડી મોડી થઇ છે, પરંતુ હજુ બાકી રહેલા દિવસો દરમિયાન લોકો લાભ લઇ શકશે એલ.સી. જોગી, સુપરિટેન્ડેન્ટ પોસ્ટ માસ્તર

અન્ય સમાચારો પણ છે...