તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News In Rajkot District 40 Polling Stations Will Be Managed In Women39s Hands All The Work Will Be Done By Women 071034

રાજકોટ જિલ્લામાં 40 મતદાન મથકોનું સંચાલન સ્ત્રીઓના હાથમાં રહેશે, તમામ કામ મહિલાઓ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 દરમિયાન પ્રથમ વખત સખી મતદાન મથકો અને દિવ્યાંગ મતદાન મથકોની પહેલ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં મહિલાઓને મતદાન મથકનું સંચાલન સોંપીને ચૂંટણી તંત્રે તેમને સન્માન આપ્યું છે. સખી મતદાન મથક એટલે એવું મતદાન મથક, જ્યાંની તમામ ચૂંટણી કાર્યવાહી માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત હોય. લોકસભા સામાન્ય ચૂંટણી-2019માં પ્રત્યેક સંસદીય બેઠકના તમામ વિધાનસભા મતદાર વિભાગ દીઠ પાંચ સખી મતદાન મથકો નિયત કરવાનો નિર્ણય ચૂંટણી આયોગે કર્યો છે. જે મુજબ રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતદાર વિભાગ દીઠ કુલ ચાલીસ મતદાન મથકો એવા નિયત કરાયા છે, જે મતદાન મથકોની તમામ કામગીરી માત્ર બહેનો જ સંભાળશે. ચૂંટણી આયોગે દેશની મહિલાઓમાં મૂકેલા આ વિશ્વાસને સાર્થક સાબિત કરવાનું બીડું રાજકોટની બહેનોએ ઝડપી લીધું છે.

રાજકોટ-68 પૂર્વ, વિધાનસભા મતદાર વિભાગ, બૂથ નં-76ના પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે લેક્ચરર ડો. ક્રિષ્નાબેન ડૈયાને ફરજ સોંપાઇ છે. રણછોડનગર સોસાયટીની શાળા નં-15 ખાતે પ્રથમ વખત જ પ્રિસાઇડિંગ ઓફિસરની ડ્યૂટી સંભાળનારા ડો. ક્રિષ્નાબેને જણાવ્યું હતું કે, મારા માટે આ પહેલીવારની ડ્યૂટી હોવાથી થોડી અસમંજસની લાગણી થાય છે, પરંતુ દેશની લોકશાહી પ્રક્રિયાનો એક અગત્યનો ભાગ બનવાનો ચાર્મ પણ એટલો જ છે. ડો. ક્રિષ્નાબેન સાથે ફર્સ્ટ પોલિંગ ઓફિસર તરીકે નેહાબેન પટેલ, સેકન્ડ પોલિંગ ઓફિસર તરીકે હીનાબેન પરમાર, મહિલા પોલિંગ ઓફિસર તરીકે પૂનમબેન ધમસાણિયા અને પટાવાળા તરીકે રંજનબેન ગઢવીને ચૂંટણી ફરજો સોંપાઇ છે.

સંતકબીર રોડ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે લેક્ચરર આરતીબેન જીજ્ઞેશભાઇ વ્યાસની નિમણૂક કરાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતનો થોડો ડર તાલીમ બાદ નીકળી ગયો હતો. ભારતના ચૂંટણી આયોગે કરેલી વરણીને યોગ્ય સાબિત કરવાનો રોમાંચ જાગૃતિબેને ભારોભાર દર્શાવ્યો હતો. તેમની સાથે અન્ય સ્ટાફમાં હર્ષિદાબેન જગોદડિયા, આરતીબેન જોષી, અવનિબેન વઘાસિયા અને હેમલતાબેન મુલિયાણીનો સમાવેશ થાય છે. આ બધી બહેનોના હોંસલા પણ ખૂબ જ બુલંદ છે. થોડેક અંશે પડકારજનક ગણાતી ચૂંટણી કામગીરીની સમગ્ર પ્રક્રિયા જ્યારે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત થવાની હોય, ત્યારે આ જ બાબત આકરી પરીક્ષા સમાન પુરવાર થતી હોય છે. રાજકોટની મહિલાઓએ કોઇ પણ પ્રકારના સંકોચ કે ડર વગર આ કામગીરી સ્વીકારી છેે.

અન્ય સમાચારો પણ છે...