તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં ભાજપે 2014માં તમામ 26 બેઠક જીતી હતી. આ કમાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં ભાજપે 2014માં તમામ 26 બેઠક જીતી હતી. આ કમાલ 2019માં પણ થાય તેના પર ભરોસો ભાજપને પણ ઓછો જ છે. ગુજરાત સરકાર, આઇબી અને આરએસએસનો આંતરિક રિપોર્ટ પણ ફરી 26 અંગે સંશયમાં છે પણ મોદી આજે પણ ગુજરાતીઓના માનીતા નેતા છે. ભાજપ માટે એકમાત્ર બ્રહ્માસ્ત્ર મોદી જ છે. ભાજપ મોદીને લઇને ફરી એક વાર ઇમોશનલ કાર્ડ રમવા માગે છે. ગુજરાતી વડાપ્રધાન, મજબૂત વડાપ્રધાન અને ગુજરાતી ગૌરવની વાતો ઉઠાવી રહ્યો છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ કહે છે કે મોદીના કારણે જ ગુજરાતનો વિકાસ થયો છે. જેઓ મોદીને હટાવવા માગે છે તેમને મોદીથી નહીં, ગુજરાતીઓથી નફરત છે. કોંગ્રેસ સવાલ ઉઠાવે છે કે મોદીએ ગુજરાત માટે શું કર્યું? પોતાના માર્કેટિંગ સિવાય? ખેડૂતો મરી રહ્યા છે. નોકરીઓ છે નહીં. વિકાસ ખોટો છે. કોંગ્રેસ પટેલોના રોષનો ફરી લાભ લેવા માગે છે પણ જેઓ પાટીદાર આંદોલનના ચહેરા હતા તેઓ હવે ભાજપ અને કોંગ્રેસના ચહેરા બની ચૂક્યા છે. આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત આપીને ભાજપે નારાજ પટેલોને ઘણી હદ સુધી મનાવી લીધા છે.

2014ની ચૂંટણી માત્ર મોદીની હતી. ત્યારે મુદ્દા, જ્ઞાતિઓ કે ચહેરામાંથી કંઇ જ જોવાયું નહોતું. ત્યારે દરેક બેઠક પર મોદી જ ઉમેદવાર હતા. હવે એવું નથી. શહેરોમાં ભાજપ બહુ મજબૂત છે પણ ગામડાંમાં કોંગ્રેસ શ્વાસ લેતી દેખાઇ રહી છે. શહેરી વિસ્તારોમાં લોકસભાની 8 બેઠક છે. અમદાવાદની બે બેઠક, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને જામનગર. બાકીની 18 બેઠક ગ્રામીણ વિસ્તારોમાં છે. સત્તાવિરોધી લહેર કે પાટીદારોનો ગુસ્સા છતાં 2017ની વિધાનસભા ચૂંટણી ભાજપે જીતી તેનું કારણ પણ શહેરી વિસ્તારોની બેઠકો હતી. તેથી કોંગ્રેસ પણ ગામડાં પર જોર લગાવી રહી છે. તે સૌરાષ્ટ્રને સોફ્ટ ટાર્ગેટ માની રહી છે. 7 લોકસભા બેઠકવાળા સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 49માંથી 26 બેઠક જીતી હતી. પટેલો અને ખેડૂતોના સહારે કોંગ્રેસ અહીં કમાલની કલ્પના કરી રહી છે. અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તે સૌથી વધુ આશા રાખીને બેઠી છે. આખા ગુજરાતની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોવાળી 10થી 15 બેઠક પર કોંગ્રેસ વધુ જોર લગાવી રહી છે. તેનો પ્રયાસ 8થી10 બેઠક કાઢવાનો છે.

અન્ય સમાચારો પણ છે...