Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુષ્કર્મ કેસમાં ગ્રીનલીફ હોટેલના મેનેજરની જામીન અરજી નામંજૂર
રાજકોટ પંથકની યુવતી પર દુષ્કર્મ આચરવાના કેસમાં જેલહવાલે રહેલા મૂળ કોડીનારના માલગાવના અને રાજકોટમાં ગ્રીનલીફ હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરતા હાર્દિક ટાભાઇ સોસાએ જામીન પર છૂટવા કરેલી જામીન અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કેસની વિગત મુજબ, આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અંગત પળોના ફોટા, વીડિયો વહેતા કરી દેવાની ધમકી આપી ગોવા, મેંગ્લોર સહિતના શહેરોમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન જેલહવાલે થયેલા આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. જે અરજીનો ફરિયાદપક્ષે રોકાયેલા એડવોકેટ સુરેશ ફળદુ, સરકારી વકીલ મહેશભાઇ જોષીએ વિરોધ કર્યો હતો. જેને ધ્યાને લઇ અદાલતે આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસર થાય તેમ હોવાનું જણાવી આરોપીના જામીન નામંજૂર કર્યા છે.