Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નકલી આયુષ્માન કાર્ડ ધાબડી કૌભાંડીઓ રૂ. 6 કરોડ કમાયા
કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપીને વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ અપાય છે પણ કૌભાંડીઓએ તેમાં પણ તક શોધી રૂપિયા કમાયા છે. દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે નકલી કાર્ડનું કૌભાંડ બહાર આવતા સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ થઈ છે. માત્ર રાજકોટમાં જ 1 લાખ નકલી કાર્ડ નીકળ્યાં છે અને કૌભાંડીઓએ તેમાંથી ઓછામાં ઓછા 6 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આયુષ્માન કાર્ડની સિસ્ટમ મુજબ લાભાર્થીઓને એક એચએચઆઈડી નંબર અપાયા છે. આ નંબરધારકને જ આયુષ્માન કાર્ડ મળવાપાત્ર છે. પરિવારદીઠ એક જ નંબર હોય અને તેને આધારે બધા સભ્યોના અલગ અલગ કાર્ડ નીકળે છે. આ માટે નંબર નાખીને ‘એડ ફેમિલી મેમ્બર’ નામનું ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય છે. આ ઓપ્શનમાં એક મર્યાદા હતી કે પરિવારમાં જેટલા સભ્યો ઉમેરો તેટલા કોઇપણ વાંધા વગર મંજૂર થઈ જતા હતા. આ છટકબારીનો ઉપયોગ કૌભાંડીઓએ કર્યો હતો. નંબર નાખી અલગ અલગ લોકોના નામ ઉમેરી દીધા હતા. આવા લાભાર્થી વગરના કાર્ડ કાઢવા માટે પ્રતિ વ્યક્તિ 500થી 1100 રૂપિયા લેવામાં આવતા હતા. માત્ર કાર્ડ દીઠ 600 રૂપિયા પણ ગણીએ તો આ આંક 6 કરોડ રૂપિયા જેટલો થાય છે.