• Gujarati News
  • National
  • Rajkot News Divyang Took The Money From Several People And Put It In The Glass To Get A Loan 070505

લોન અપાવી દેવાની લાલચ આપી દિવ્યાંગે અનેક લોકો પાસેથી પૈસા લઇ શીશામાં ઉતાર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં યેનકેન પ્રકારે લોકો પાસેથી પૈસા પડાવી ચીટરો ઠગાઇ કરતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે છેતરપિંડીના વધુ એક બનાવમાં દિવ્યાંગે લોન અપાવી દેવાના બહાને લોકો પાસેથી નાણાં લઇ ઠગાઇ કર્યાનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે દિવ્યાંગ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દિવ્યાંગે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવતા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે મૂળ જામનગરના અને હાલ કુવાડવા જીઆઇડીસીમાં આઇડલ પાઇપ્સ નામના કારખાનામાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા રઘુવીરભાઇ મગનલાલ વ્યાસ નામના પ્રૌઢે ગાંધીગ્રામ વિસ્તારના ગૌતમનગર-7માં રહેતા દિવ્યાંગ મહેશ ઇન્દુભાઇ વસાણી સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બે મહિના પહેલા અખબારમાં લોન માટેની જાહેરાત વાંચી તેમા બતાવેલા મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો. ત્યારે સામે મહેશ વસાણીએ કોરા ચેક, ફોટો, આધારકાર્ડ વગેરે લઇને આવો અને લોન ખર્ચ પેટે 17 હજાર આપશો એટલે તમને 4 લાખની લોન મંજૂર કરાવી આપવાનું કહ્યું હતું, પરંતુ પોતાની પાસે હાથમાં દસ હજાર જ હોવાનું કહેતા મહેશ વસાણી દસ હજાર ચાલશેની વાત કરી હતી. દરમિયાન તા.10-7ના મહેશ વસાણીને ફોન કરતા તેણે શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડનાં પ્લેટફોર્મ 1 પર આવી જવા કહ્યું હતું. બસ સ્ટેન્ડે પહોંચી ગયા બાદ એક સ્કૂટરમાં દિવ્યાંગ વ્યક્તિ આવી હતી અને પોતે મહેશ વસાણી હોવાનું કહ્યું હતું. તેણે વાતચીત દરમિયાન તેનું કાર્ડ પણ આપ્યું હતું. દરમિયાન મહેશ વસાણી દિવ્યાંગ હોય અને તેને લોન અપાવી દેવાની વાત કરી હોય પોતાને વિશ્વાસ થઇ જતા રૂ.10 હજાર અને તેણે માગેલા દસ્તાવેજો આપ્યા હતા. બાદમાં ઝેરોક્ષ કરાવવા સાથે લઇ ગયા બાદ દિવ્યાંગ મહેશ વસાણી સ્કૂટર પર જતો રહ્યો હતો. મહેશને વારંવાર ફોન કરતા તેનો ક્યારેક ફોન બંધ આવતો હતો. જ્યારે ફોન ચાલુ હોય ત્યારે તે હું આવું જ છું તેમ કહી ફોન કાપી નાખતો હતો. જેથી તેણે આપેલા કાર્ડ પર તપાસ કરતા મહેશે દિવ્યાંગ હોવાનો લાભ ઉઠાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યાની માહિતી મળતા પોતે પણ છેતરાયાનો અહેસાસ થયો હતો. આ જ સમયે પોતાની જેમ જ એક જિજ્ઞેશભાઇ નામની વ્યક્તિ પાસેથી રૂ.6 હજાર મેળવી છેતરપિંડી કર્યાની વિગતો મળતા અંતે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ એન.કે.જાડેજાએ જણાવ્યું કે, દિવ્યાંગ મહેશ વસાણી સામે જુદા જુદા પોલીસમથકોમાં અનેક છેતરપિંડી અંગેની અરજીઓ થઇ હોવાની વિગત મળતા તુરંત તપાસ શરૂ કરી દિવ્યાંગ મહેશને ઝડપી લીધો હતો. આરોપી મહેશ વસાણીને જોતા શરૂઆતમાં અમે પણ દંગ રહી ગયા હતા, પરંતુ ફરિયાદીએ પણ આરોપી મહેશને ઓળખી બતાવતા તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...