Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હી-રાજકોટની ફ્લાઈટમાં સિગારેટ પીતો યાત્રિક પકડાયો
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ
દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઈટમાં રવિવારે બપોરે કોઈ યાત્રિક ફ્લાઈટના વોશરૂમમાં સિગારેટ પી રહ્યો હતો ત્યારે જ પાઇલટને ધુમાડાનું એલાર્મ બતાવતા તુરંત જ વોશરૂમમાંથી તે યાત્રિકને પકડી લેવાયો હતો, પરંતુ લેખિત કોઈ ફરિયાદ નહીં મળતા આ ગંભીર પ્રકરણમાં ન એરપોર્ટ ઓથોરિટીએ કોઈ કાર્યવાહી ન કરી કે ન એર ઇન્ડિયાના અધિકારીઓએ કોઈ પગલાં લીધા. આખરે આવી ગંભીર બેદરકારી દાખવનાર યાત્રિકને બારોબાર જવા દેવાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી બાબત એ છે કે, દિલ્હી જેવા ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ પર સિગારેટ, માચિસ, લાઈટર જેવી સંવેદનશીલ વસ્તુઓ પણ એરપોર્ટના સ્કેનરમાં ન દેખાઈ અને યાત્રિક છેક ફ્લાઈટમાં લઇ ગયો અને ચાલુ ફ્લાઈટમાં તેણે સિગારેટ પીધી છતાં કોઈ તંત્રે કાર્યવાહી ન કરી.
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-403 રવિવારે દિલ્હીથી ઉડાન ભરી રાજકોટ આવવા રવાના થઈ હતી. બપોરે 3 વાગ્યે આ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થાય તે પૂર્વે વિમાનમાં ધુમાડા દેખાતા મુસાફરો-ક્રૂ મેમ્બરો- એર હોસ્ટેસ સહિતનો સ્ટાફ ગભરાયો હતો. ધુમાડો સિગારેટનો હોવાનું જણાતા તપાસ કરતા ટોઈલેટમાં સિગારેટ ફૂંકતો યાત્રિક સિગારેટ-માચિસ સાથે મળી આવતા મુસાફરો સ્ટાફ ચોંકી ઉઠ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર બનાવના પગલે ફ્લાઈટ લેન્ડ થતાં જ પોલીસ-સીઆઈએફએસ ધસી ગઈ હતી. સિગારેટ પીતા પકડાયેલ મુસાફરે એવો બચાવ કર્યો હતો કે નિયમની જાણકારી ન હતી. આખરે તે મુસાફર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વિના જવા દેવાયો હતો.
ફ્લાઈટમાં વોશરૂમમાં જ સિગારેટ ફૂંકતા યાત્રિકે ગંભીર ભૂલ કરી નિયમ તોડ્યો છતાં એરપોર્ટ ઓથોરિટીએ પોતાને લેખિતમાં કોઈ ફરિયાદ નહીં મળી હોવાને લીધે અને એર ઇન્ડિયા આ બાબતે કાર્યવાહી કરી શકે તેવું જણાવ્યું હતું, જ્યારે એર ઇન્ડિયાના અધિકારીએ યાત્રિકને પકડીને સીઆઈએસએફને સોંપી દેવાયો હતો પછીની કાર્યવાહી એ લોકોએ કરવાની રહે તેવું કહી જવાબદારી ખંખેરી નાખી હતી.