હુમલો કરી લૂંટ ચલાવતી ત્રિપુટી ઝડપાઇ, 16 ગુનાના ભેદ ખુલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની ભાગોળે પંદર દિવસ પૂર્વે વાડીમાં ઘૂસી લૂંટ અને હત્યાની કોશિશ કરનાર ગેંગના ત્રણ શખ્સને પોલીસે ઝડપી લેતા ચોરી, લૂંટના 16 ગુનાના ભેદ ઉકેલાયા હતા. પોલીસે રિક્ષા સહિત કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગેંગના અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

મોરબી રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ નજીક હોવાની હકીકત મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાખડા અને કુલદીપસિંહ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે ઝૂંપડામાં રહેતા ભીખા નાનજી જાખણિયા, તેના પુત્ર અજિત અને ભાણેજ ગોપાલ જેશા સાડમિયાને સકંજામાં લીધા હતા. પોલીસે ત્રણેયની આગવીઢબે પૂછપરછ કરતાં ચોરી, લૂંટ અને હત્યાની કોશિશ સહિત 16 ગુનાની કબૂલાત આપી હતી, તેમજ તેની ગેંગમાં અશોક ભીખા જાખણિયા પણ હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, કટર, ગણેશિયો, લોખંડની તણી અને ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ.1,06,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે, તસ્કર ગેંગ રાત્રીના રિક્ષામાં હાઇવે પર નીકળતી હતી અને મંદિર, સ્કૂલ, કારખાના અને વાડીમાં ઘૂસતા હતા. પોતાની ઓળખ થાય નહીં તે માટે તમામ લોકો શરીર પર શાલ અોઢતા અને મોં પર બુકાની બાંધતા હતા. કુવાડવા રોડ પર પીપી ફૂલવાલાની વાડીમાં ચોરીના ઇરાદે ઘૂસ્યાની અને વાડીમાં હાજર વ્યક્તિએ પ્રતિકાર કરતા તેને છરીના ઘા ઝીંકી હત્યાની કોશિશ કર્યાની કબૂલાત આપી હતી, આ ઉપરાંત લતીપરમાં જિનમાંથી ચોરી, મિતાણામાં મંદિરની દાનપેટીની ચોરી, કાલાવડ રોડ પર ઇનોવેટિવ સ્કૂલમાંથી રોકડ ચોરી, ગોંડલ રોડ પર સુમન બજાજ ઓટો નામના શો–રૂમમાં ચોરીની કોશિશ, ટીવીએસના શો–રૂમમાં ચોરીની કોશિશ, કુવાડવા રોડ પર મહિન્દ્રાના શો–રૂમમાં ચોરી, પીપળિયામાં કન્યા છાત્રાલયમાંથી ચોરી, રતનપરમાં મંદિરના
પૂજારી દંપતી પર હુમલો કરી લૂંટ સહિત 16 ગુના આચર્યાની કબૂલાત આપી હતી.

ભીખા નાનજી જાખણિયા અને તેના બે પુત્ર અજિત તથા અશોક સહિતની ગેંગ છેલ્લા ચારેક વર્ષથી ચોરી કરતી હતી. અજિતની એક યુવતી સાથે સગાઇ થઇ હતી, દરરોજ રાત્રે ચોરી કરવા નીકળતાં અજિતની સંડોવણીના પોલીસને પુરાવા મળતા કેટલાક દિવસથી પોલીસ તેને શોધી રહી હતી, બીજીબાજુ અજિત તસ્કર હોવાની અને તેને પોલીસ શોધી રહ્યાની માહિતી મળતાં કન્યાના પરિવારજનોએ સગાઇ તોડી નાખી હતી.

અજિત તસ્કર હોવાની જાણ થતાં કન્યાના પરિવારજનોએ સગાઇ તોડી નાખી’તી
અન્ય સમાચારો પણ છે...