Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ-મદ્રાસ હમસફર એક્સપ્રેસને રાજકોટ લંબાવો
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ચેમ્બરના હોદ્દેદારોએ રાજકોટને લગતી રેલવે અને ઔદ્યોગિક જરૂરિયાતો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મુખ્યત્વે અમદાવાદ-મદ્રાસ હમસફર એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવી જેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાત્રિકોને અહીંથી સીધી મદ્રાસ જવા ટ્રેન મળી શકે. જ્યારે બીજી બાજુ રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ચાલી રહેલા ડબલ ટ્રેકનું કામ માર્ચ-2021 સુધીમાં પૂર્ણ થાય તેવું આયોજન કરવા પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ ચેમ્બરની રજૂઆતો સામે હકારાત્મક વલણ દાખવ્યું હતું.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, કારોબારી સભ્ય વિનોદભાઈ કાછડિયા તથા નિલેશભાઈ ભલાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજકોટ-સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેમાં ખાસ રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લઈ રાજકોટના લોધિકાના ખીરસરા ગામ ખાતે જીઆઈડીસીની ફાળવણી કરાઇ છે. જીઆઈડીસીમાં પ્લોટિંગ કરતા પણ અનેકગણી અરજીઓ થઇ છે. તેથી ટૂંક સમયમાં લકી ડ્રો કરવમાં આવે તેમજ મુસાફરોની વધુ સુવિધા અર્થે ટ્રેનનં. 22919/22920 અમદાવાદ-મદ્રાસ-અમદાવાદ હમસફર એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટે ખાસ માગણી મૂકી રજૂઆત કરી છે.