તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News 2 Year Old College Student Molested Youth For 34 Years With 34kg Of Marijuana 072021

1 વર્ષથી યુવાનોને નશાની લતે ચડાવનાર અાત્મીય કોલેજના બે વિદ્યાર્થી 3.4 કિલો ગાંજા સાથે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરમાં માદક પદાર્થનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, શહેરમાંથી અગાઉ કરોડો રૂપિયાનો ગાંજો, ચરસ અને કોકેનનો જથ્થો ઝડપાયો હતો, શહેરનું યુવાધન નશીલા પદાર્થના સેવનમાં ગરક થઇ રહ્યું છે ત્યારે શહેર પોલીસે શનિવારે આત્મીય કોલેજના એન્જિનિયરિંગ અને બીસીએના વિદ્યાર્થીને 3.400 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા. બંને વિદ્યાર્થીઓએ કોલેજના અનેક વિદ્યાર્થીને નશાના માર્ગે ચડાવ્યા અને મોટો જથ્થો અગાઉ વેચ્યાની શંકાએ પોલીસે બંનેને રિમાન્ડ પર લઇ તપાસ શરૂ કરી હતી.

શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ સોમનાથ સોસાયટી મેઇન રોડ પરથી બે કોલેજિયન ટુ વ્હિલર પર માદક પદાર્થના જથ્થા સાથે નીકળવાના છે તેવી હકીકત મળતાં એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને એસઓજીના પીઆઇ આર.વાય.રાવલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. નિયત વર્ણનવાળા બે શખ્સ પસાર થતાં જ પોલીસે તેને અટકાવી સ્કૂટરની ડેકીની તલાશી લેતા અંદરથી રૂ.2,04,000ની કિંમતનો 3.400 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, સ્કૂટર અને મોબાઇલ સહિત કુલ રૂ.1,55,400નો મુદ્દામાલ જપ્ત કરી સ્કૂટર સવાર મૂળ ભાવનગરના અને હાલમાં રાજકોટના નવોદિતપાર્કમાં રહેતા દિવ્યેશ રમેશ સોલંકી (ઉ.વ.24) તથા સાધુવાસવાણી રોડ પરના ગાયત્રી બંગલો નજીક રહેતા હર્ષ સુનિલ ગાંધી (ઉ.વ.19)ની ધરપકડ કરી 30મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

ગાંજાના વેપારી
આત્મીય યુનિ.ના આ બન્ને વિદ્યાર્થીએ રાજકોટમાં ગાંજાના નશાનું નેટવર્ક ઊભું કર્યું છે.

એક કિલો ગાંજાના વેચાણથી રૂ.20 હજારનો નફો મળતો
અનાથ દિવ્યેશને એક પરિવારે દત્તક લઇ ભણાવ્યો છતાં સુધર્યો નહીં
ભાવનગર પંથકનો વતની દિવ્યેશ સોલંકી અનાથ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જુદા જુદા અનાથ આશ્રમમાં રહેનાર દિવ્યેશને ગાંધીધામના અેક પરિવારે દત્તક લઇને તેને અભ્યાસ કરાવ્યો હતો. દત્તક લેનાર પરિવારે દિવ્યેશને પુત્ર તરીકે ઉછેરી તેને એન્જિનિયર બનાવવાના સ્વપ્ન સેવ્યા હતા અને દિવ્યેશને રાજકોટની આત્મીય કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન પણ અપાવ્યું હતું, પરંતુ મોજશોખ પૂરા કરવા દિવ્યેશ સોલંકી માદક પદાર્થના વેચાણના રવાડે ચડી ગયો હતો અને અંતે તેણે જેલમાં જવાની વેળા આવી હતી.

હર્ષને પહેલાં મફત ગાંજો અાપી નશાે કરાવ્યો પછી વેચવાનું કહ્યું
માદક પદાર્થનો અેકાદ વર્ષથી ધંધો કરતા દિવ્યેશ સોલંકીઅે પોતાની જ કોલેજમાં અભ્યાસ કરતાં હર્ષ સુનિલભાઇ ગાંધીને પોતાનો મિત્ર બનાવ્યો હતો. હર્ષ મિત્ર બનતા દિવ્યેશે જુદા જુદા પ્રસંગે પાર્ટીના નામે હર્ષને ગાંજાના નશાના રવાડે ચડાવ્યો હતો. હર્ષ પોતાની જાળમાં ફસાયાનું લાગતા તેમજ હર્ષને પણ ગાંજાની લત પડતાં તેણે હર્ષને ગાંજો વેચવાનું કામ સોંપ્યું હતું. વેચવા માટે મળતી પડીકીમાંથી હર્ષ થોડો ગાંજો પોતાના માટે કાઢી લેતો હતો અને તેમાંથી નશો કરતો તેમજ પડીકી વેચવાથી મળતાં પૈસાથી મોજશોખ પણ કરતો હતો.

દિવ્યેશ સોલંકીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતે સુરતથી કટકે કટકે 1 કિલો ગાંજાનો જથ્થો લાવતો હતો અને ગાંજાની પડીકી બનાવી તે પડીકી રૂ.500 થી રૂ.700માં વેચતો હતો. હર્ષ ગાંધી નવા ગ્રાહક શોધવાનું કામ કરતો હતો અને ત્યારબાદ ગ્રાહકને પડીકી પૂરી પાડવામાં આવતી હતી. એક કિલોએ રૂ.18 હજારથી માંડી રૂ.20 હજારનો નફો થતો હોવાની દિવ્યેશે કબૂલાત આપી હતી.

મિત્ર બનાવી વિદ્યાર્થીઅોને અાકર્ષવા દિવ્યેશ વૈભવી હોટેલમાં બોલાવતો
ભાવનગરનો વતની દિવ્યેશ સોલંકીને 4 વર્ષ પૂર્વે ગાંધીધામના અેક પંજાબી પરિવારે તેને દત્તક લીધો હતો અને અેન્જિનિયર બનાવવા કોલેજમાં અેડમિશન પણ અપાવ્યું હતું, પરંતુ વૈભવી જિંદગી જીવવા દિવ્યેશે ગુનાહિત માર્ગ અપનાવ્યો હતો અને અેકાદ વર્ષથી માદક પદાર્થ વેચવાનું શરૂ કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઅો માદક પદાર્થનું સેવન કરે અને પોતાની પાસે રહેલો માદક પદાર્થ વેચતા થાય તે માટે દિવ્યેશ વિદ્યાર્થીઅોને મિત્રો બનાવતો અને મિત્રોને અાકર્ષવા માટે જુદા જુદા બહાના અને પાર્ટીના નામે વૈભવી હોટેલમાં બોલાવતો હતો. દિવ્યેશની લાઇફ સ્ટાઇલથી અંજાઇને અનેક યુવકો માદક પદાર્થનું સેવન કરવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...