તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશ્ચિમ રાજકોટ માટે માર્ચથી નર્મદાના વધુ પાણીની જરૂર પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજી ડેમમાં અત્યાર સુધીમાં 1529 કરોડ લિટર પાણી ઠલવાયું - Divya Bhaskar
આજી ડેમમાં અત્યાર સુધીમાં 1529 કરોડ લિટર પાણી ઠલવાયું

રાજકોટ: રાજકોટમાં હાલ દૈનિક 20 મિનિટ પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ માટે મોટાભાગનો આધાર નર્મદા નીર પર જ છે. ન્યારી અને ભાદરમાંથી પાણી ઉપાડવામાં આવે છે. તેમાં ભાદર ડેમમાં આગામી ચોમાસા સુધી ચાલે તેટલું પાણી છે પરંતુ ન્યારી ડેમમાં ફેબ્રુઆરી માસના અંત સુધી ચાલે તેટલું જ પાણી હોવાથી મનપાએ સરકારને પશ્ચિમ રાજકોટને દૈનિક પાણી વિતરણ માટે નર્મદા નીર વધારાના આપવા પત્ર લખ્યો છે. મનપાએ શહેરની ફરતે એક્સપ્રેસ ફિડરલાઇનનું નેટવર્ક ઊભું કર્યું છે પરંતુ જો સીધું પાણી મળે તો સરળ રહે તેથી નર્મદાના વધારાના પાણીની ડિમાન્ડ કરવામાં આવી છે.

 

ન્યારી ડેમમાંથી ન્યૂ રાજકોટના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે


શહેરમાં દેનિક 20 મિનિટ પાણી વિતરણ માટે મહાનગરપાલિકાને 260થી 270 એમએલડી પાણીની જરૂરત છે. આ માટે ભાદરમાંથી દૈનિક 45 એમએલડી પાણી મળી રહ્યું છે જે આગામી ચોમાસા સુધી મળી રહે તેટલું છે, આજી ડેમમાં અને નર્મદાનું 170 એમએલડી પાણી મળી રહ્યું છે. આ ઉપરાંત 45 એમએલડી પાણી ન્યારી ડેમમાંથી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. ન્યારી ડેમમાં આગામી ફેબ્રુઆરી માસ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. ન્યારી ડેમમાંથી ન્યૂ રાજકોટના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

 

જે દૈનિક વિતરણ કરવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ રાજ્ય સરકારને પત્ર લખી નર્મદાનુ વધારાનું પાણી આપવા માગ કરી છે. ન્યારી ડેમમાં જો નર્મદાનું વધારાનું પાણી નહીં મળે તો મહાનગરપાલિકાને શહેરની ફરતે નાખેલી એક્સપ્રેસ ફિડરલાઇનનો ઉપયોગ કરવો પડશે. ન્યારી ડેમ ખાતે ખંભાળા પાઇપલાઇન મારફતે જો સરકાર નર્મદા નીર નહીં આપે તો શહેરમાં નાખવામાં આવેલી એક્સપ્રેસ ફિડરલાઇનનો ઉપયોગ કરવામાં આવશે.

 

હાલ રાજ્ય સરકારે સૌની યોજના હેઠળ આજી 1 ખાતે નર્મદા નીર અાપી રહ્યું છે. આજી ડેમથી ન્યારી ડેમ સુધી એક્સપ્રેસ ફિડરલાઇનનો ઉપયોગ કરી પાણી પહોંચાડવામાં આવશે અને ન્યારી ઝોન હેઠળના રૈયાધાર અને બેડી ઝોનના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે. એક્સપ્રેસ ફિડરલાઇનનો ઉપયોગ કરવાના બદલે નર્મદાનું પાણી સીધું મળે તે સરળ પડે તેમ છે. તેથી મનપાએ ન્યારી ઝોનમાં સીધું નર્મદા નીર મળે તેવી માગ કરી છે.

 

આજી ડેમમાં અત્યાર સુધીમાં 1529 કરોડ લિટર પાણી ઠલવાયું


ચોમાસામાં અપેક્ષા કરતાં ઓછું પાણી મળતા આજી ડેમ ખાલી રહ્યો હતો. રાજકોટને દૈનિક પાણી વિતરણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે સરકારને સૌની યોજના હેઠળ પાણી આપવા પત્ર લખ્યો હતો. જેના પગલે 8 સપ્ટેમ્બરે સરકારે મચ્છુ ખાતેથી પાણી રવાના કર્યું હતું. ત્યા બે પંપ દૈનિક ચાલી રહ્યા છે જેનાથી દૈનિક 5 એમસીએફટી પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં સૌની યોજનાથી આજી ડેમમાં 1529 કરોડ લિટર પાણી ઠાલવી દેવામાં આવ્યું છે.