રાજકોટના મોરબી રોડ પર ડમ્પરે એક્ટિવાને લીધું હડફેટે, દેરાણી-જેઠાણીના સ્થળ પર જ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરમાં માતેલા સાંઢની માફક દોડતા ભારે વાહનોએ અનેક માનવજિંદગીનો ભોગ લીધો છે. તેમ છતાં ટ્રાફિક શાખા દ્વારા આવા ભારે વાહનોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે, ત્યારે શનિવારે બપોરે મોરબી રોડ, જકાતનાકા નજીક કાળ બની ધસી આવેલા ડમ્પરે એક્ટિવાને ઠોકરે લીધા બાદ બે સગીબહેન એવી દેરાણી-જેઠાણીને કચડી નાખ્યા છે જ્યારે બંને મહિલા સાથે રહેલી અઢી વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માત સર્જી ચાલક ડમ્પર મૂકી નાસી ગયો છે.

 

મોરબી રોડ પર સ્કૂટરને પાછળથી ટક્કર મારી


 અરેરાટીભર્યા બનાવની મળતી વિગત મુજબ, મોરબી રોડ પર આવેલી સીતારામ પાર્કમાં રહેતી મનીષા ધર્મેન્દ્રભાઇ સોલંકી અને દેરાણી અંજના શનિવારે બપોરે તેમના એક્ટિવા પર દેરાણીની અઢી વર્ષની પુત્રી સંભવીને સાથે લઇ ખરીદી કરવા નીકળ્યા હતા. દેરાણી-જેઠાણી તેમના વાહન પર નીકળી મોરબી રોડ પર ચડતાં જ એક પૂરઝડપે ધસી આવેલા ડમ્પરે એક્ટિવાને ઠોકર મારી હતી. જે અકસ્માતમાં દેરાણી-જેઠાણી એક્ટિવા પરથી ફંગોળાઇ ડમ્પરની નીચે આવી જતાં બંને પર ડમ્પરનાં તોતિંગ વ્હિલ ફરી વળ્યાં હતા. જેને કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અઢી વર્ષની બાળકી સંભવીનો ચમત્કારિક બચાવ થયો હતો. 

 

બંને બહેનોના નાના બાળકો નોંધારા થઇ ગયા, પરિવારમાં શોક

 

મોરબી રોડ પર અકસ્માત સર્જાતા રોડ પરનો ટ્રાફિક થંભી ગયો હતો અને લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. અકસ્માતના બનાવ બાદ લોકોનાં ટોળાં એકઠા થતાં ચાલક તક જોઇ ડમ્પર મૂકી નાસી ગયો હતો. બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતાં બંને મહિલા આ જ વિસ્તારમાં રહેતી હોવાની માહિતી મળતાં પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા પરિવારજનોનાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

 

 

કચ્છના રાપરની બંને બહેનોના લગ્ન સોલંકી પરિવારમાં થયા હતા


અંજના અને મનીષા બંને સગ્ગી બહેનો છે. કચ્છના રાપરમાં રહેતી મનીષાના લગ્ન 2013માં આર્કિટેક્ટ ધર્મેન્દ્ર સાથે થયા હતા. જેમના લગ્ન જીવન દરમિયાન પુત્ર મંથન છે. ધર્મેન્દ્રની પત્ની મનિષાએ તેના દીયર આશિષને તેની બહેન અંજના માટે પસંદ કર્યો હતો. બંને પરિવારને પણ પસંદગી ગમી જતાં અંજનાના લગ્ન બનેવી ધર્મેન્દ્રના નાના ભાઇ આશિષ સાથે 2014માં થયા હતા. જેમનાં લગ્ન જીવન દરમિયાન અઢી વર્ષની પુત્રી સંભવી છે. આશિષ ખાનગી પેઢીમાં નોકરી કરે છે. એક જ પરિવારમાં બંને બહેનો હોવાથી બહાર કામ હોય ત્યારે પણ બંને બહેનો સાથે જ જતા હતા. શનિવારે બંને સાથે ગયા હતા ત્યારે એક સાથે બંને પુત્રવધૂનાં મોતથી સોલંકી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. પોલીસે ધર્મેન્દ્રભાઇની ફરિયાદ પરથી નાસી છૂટેલા ડમ્પરચાલક સામે ગુનો નોંધી નંબરના આધરે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

મોરબી જળ હોનારત: ફર્સ્ટ પર્સન; મારો પુત્ર મિત્રો સાથે નદીમાં પાણી જોવા ગયો પણ પરત ન આવ્યો

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો............

 

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.