રાજકોટમાં સ્પામાં પોલીસના દરોડા, ત્રણ થાઇ યુવતી સહિત માલિકની અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓશિયન સ્પામાંથી ગોરખધંધા કરતા પકડાયેલી વિદેશી યુવતીઓએ મોં છુપાવી લીધા હતા - Divya Bhaskar
ઓશિયન સ્પામાંથી ગોરખધંધા કરતા પકડાયેલી વિદેશી યુવતીઓએ મોં છુપાવી લીધા હતા

રાજકોટ: શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલા ઓશિયન સ્પા પર પોલીસે દરોડો પાડી તેમાં ચાલતા લોહીના વેપારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સેક્સચેન્જ કરાવેલા થાઇલેન્ડના બે યુવક અને બે યુવતી તથા સ્પા સંચાલક સહિત પાંચને ઝડપી લીધા હતા. ચારેય વિદેશીઓને સાક્ષી બનાવી પોલીસે સ્પા સંચાલકની ધરપકડ કરી હતી.

 

લક્ષ્મીનગર રોડ પરના ઓશિયન સ્પામાં થાઇલેન્ડથી યુવતીઓ બોલાવી શરૂ કરાયા હતા ગોરખધંધા


લક્ષ્મીનગર મેઇન રોડ પર સૂર્યમુખી હનુમાન મંદિર સામે કોમ્પ્લેક્સમાં આવેલા ઓશિયન સ્પામાં સ્પાના ઓઠા હેઠળ દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની હકીકત મળતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને માલવિયાનગર પીઆઇ અેન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસે નકલી ગ્રાહક મોકલ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પામાં ચાલતા દેહવિક્રયના ગોરખધંધાનો પર્દાફાશ કરી થાઇલેન્ડના ચાર શખ્સ અને સ્પા સંચાલક ગાંધીગ્રામમાં ઉદય હોલ પાસે રહેતા વિજય હર્ષદરાય જોષી (ઉ.વ.24)ને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.10500 તથા બે મોબાઇલ સહિત કુલ રૂ.14000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, વિજય જોષી છેલ્લા દશ મહિનાથી ઉપરોક્ત સ્થળે સ્પા ચલાવતો હતો અને ભારતીય યુવતીઓને કામે રાખી હતી, પરંતુ થાઇલેન્ડથી આવેલા ચાર શખ્સને છેલ્લા ચાર દિવસથી કામ પર રાખી તેની પાસે લોહીનો વેપાર કરાવતો હતો. વિજય ગ્રાહકોને શોધી લાવતો હતો અને સ્પામાં ગોરખધંધા ચાલતા હતા. ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ પોલીસે થાઇલેન્ડના ચારેયને સાક્ષી બનાવી વિજય જોષી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સ્પામાંથી થાઇલેન્ડના ચાર શખ્સ ઝડપાયા હતા જેમાં બે યુવકો હતા અને તેણે સેક્સચેન્જ કરાવ્યું હતું. પુરુષમાંથી યુવતી બની બંને શખ્સ પણ ગ્રાહકો પાસે દેહવિક્રય કરતા હતા. થાઇલેન્ડના ચારેય શખ્સ ટૂરિસ્ટ વિઝા પર આવ્યા હોવાની જાણ છતાં તેને કામે રાખી ફોરેન એમેન્ટમેન્ટના નિયમનો ભંગ કરનાર વિજય જોષી સામે અલગથી વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

ગ્રાહકો પાસેથી રૂ.2500 થી માંડી રૂ.5000 વસૂલાતા, વિદેશીઓને ગ્રાહકદીઠ રૂ.1 હજાર મળતા


સ્પાના ઓઠા હેઠળ લોહીનો વેપાર થતો હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું અને સ્પા સંચાલક વિજય જોષીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજય જોષી બહારથી ગ્રાહકો શોધી લાવતો હતો અને ગ્રાહકો પાસેથી રૂ.2500 થી માંડી રૂ.5000 વસૂલવામાં આવતા હતા. ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલનાર વિજય વિદેશીઓને ગ્રાહક દીઠ રૂ.1000 આપતો હતો.


ચારેયને ડિપોર્ટ કરી થાઇલેન્ડ રવાના કરી દેવાશે


શહેરમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા ગોરખધંધાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠતાં શહેર પોલીસે એકાદ મહિના પૂર્વે સાતેક સ્પા પર દરોડો પાડી સેક્સચેન્જ કરાવેલા છ યુવક સહિત થાઇલેન્ડના 45 લોકોને ઝડપી લીધા હતા. તમામ લોકો ટૂરિસ્ટ વિઝા પર આવી ગેરકાયદે કામધંધો કરતા હોવાનું ખૂલતાં તમામ 45ને ડિપોર્ટ કરી પોલીસે થાઇલેન્ડ રવાના કરી દીધા હતા. રવિવારે ઝડપાયેલા ચારેય થાઇલેન્ડવાસીઓને ડિપોર્ટ કરી રવાના કરી દેવાનો પોલીસ અધિકારીએ નિર્દેશ આપ્યો હતો.