રાજકોટ: રાજકોટના માજી ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સ્વીકારી લેતાં ઇન્દ્રનીલનું કોંગ્રેસમાંથી રાજકારણ લગભગ સમાપ્ત થઇ ગયું છે. આ ઉપરાંત કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમ કોંગ્રેસમાં જ હોવાનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બે દિવસ પહેલાં પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મૌખિક રાજીનામું આપ્યું હતું અને અમે માૈખિક રીતે સ્વીકારી લીધું છે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસના સીનીયર નેતા વિક્રમ માડમ અને કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જ છે.
મૌખિક રાજીનામું આપ્યું, અમે મૌખિક સ્વીકાર્યું : ચાવડા
જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં બળવો કરનારાઓ સામે સસ્પેન્સનનું શસ્ત્ર ઉગામનાર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું મૌખિક રાજીનામું સ્વીકારીને સંકેત આપ્યો છે કે, કોંગ્રેસમાં હવે ગેરશીસ્ત સહેજે પણ નહીં ચલાવી લેવાય. આ ઉપરાંત કોંગ્રેસના મોટાગજાના જે નેતાઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ પણ પ્રદેશ પ્રમુખે આપ્યો હતો.
રાહુલ ગાંધી જુલાઇના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાતે આવશે
કોંગ્રેસના ટોંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જુલાઇના બીજા અઠવાડિયામાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે આવશે. જ્યાં ખેડૂતો અને વેપારીઓને લગતી સમસ્યા સંદર્ભે ચર્ચા-વિચારણા કરશે. તેમજ 2019માં આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે પણ આગેવાનો સાથે વિચાર-વિમર્શ કરશે. સંભવત: 11 અને 12 જુલાઇ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.