રાજકોટઃ PSI પર હુમલો, બે રાઉન્ડ ફાયરિંગ, આરોપીને પગમાં વાગી ગોળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અાટકોટ: ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે રહેતી બહેનને સંક્રાંત કરવા ન મોકલતા બનેવીની હત્યાના ઇરાદે ધસી ગયેલા અારોપીઓ નાસીને આટકોટના નવાગામના ડેમ વિસ્તારમાં સંતાયા હોવાની બાતમી મળતાં પોલીસ પહોંચી હતી ત્યારે અચાનક જ દેવીપૂજકોના ટોળાંએ પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિતોને ઘેરી લઇ ધારિયા અને પાઇપથી હુમલો કરતાં સનસનાટી મચી હતી, જો કે પીએસઆઇએ સ્વબચાવમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતાં હુમલાખોર પૈકીના એકને પગમાં ગોળી વાગતાં ઇજા પહોંચી હતી. જ્યારે પીએસઆઇ અને ફોજદારને પણ ધારિયાના ઘા વાગી જતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

 

સ્વબચાવમાં પોલીસે પણ વળતું બે રાઉન્ડ ફાયરિંગ કર્યું


મોટાદડવા ગામે રહેતા નટુ વેરશી ચારોલિયા આટકોટના નવાગામ પાસે સસરાના ઘરે આવ્યો હતો અને તેના સાળાઓ શ્રવણ વશરામ, પલુ વશરામ અને બાલી વશરામ અને રાયધન વશરામ સહિતનાઓએ અમારી બહેનને સંક્રાંત કરવા શા માટે ન મોકલી કહીને ઝઘડો કર્યો હતો. આ હુમલામાં નટુને ગંભીર ઇજા પહોંચી હતી અને નટુને બચાવવા વચ્ચે પડેલા નટુના બે ભાઇઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. નટુને રાજકોટ અને તેના બન્ને ભાઇને ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે.

 

પોલીસ પર ધારિયા લઈ ટોળું ધસી આવ્યું

 

બીજી તરફ આ ગુનાના આરોપીઓ પલુ વશરામ સહિતનાઓ નવાગામના ડેલા નજીક સંતાયા હોવાની બાતમીના અાધારે પીએસઆઇ યશપાલસિંહ ભરતસિંહ રાણા સહિત આઠ પોલીસ કર્મચારીઓ આરોપીઓને ઝડપી લેવા ત્રાટક્યા હતા અને પલુ સહિતને સકંજામાં લેતાં જ દેવીપૂજક ટોળું ધસી આવ્યું હતું તેમજ ધારિયા અને પાઇપ લઇ પોલીસ પાર્ટી પર તૂટી પડ્યું હતું.  ઘટનાની જાણ થતાં જ પીઆઇ રામાનુજ સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને પીએસઆઇ રાણાની ફરિયાદ પરથી વિજય દેવીપૂજક સહિતના ટોળાં સામે રાયોટિંગ, હત્યાની કોશિશ, ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો દાખલ કરાયો છે.

 

નવાગામમાં અજંપાભરી શાંતિ


આટકોટના નવાગામ પાસે બનેલી ઘટનાને પગલે ગ્રામજનોમાં અજંપો ફરી વળ્યો હતો. જો કે પોલીસ અને ટોળાં વચ્ચેની બઘડાટીના પગલે કોઇ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસે પૂરતાં પગલાં લીધા હતા.

 

પોલીસે ચેતવણી આપી છતાં ટોળું ન હટતાં ફાયરિંગ


પીએસઆઇ રાણાએ ટોળાંને કડક ચેતવણી આપી છતાં ટોળું ન વિખેરાતાં પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ધમાલમાં પીએસઆઇ રાણાને તેમજ ફોજદાર ગોવિંદભાઇ ધાધલને ધારિયાના ઘા વાગી જતાં હાથ અને પગમાં ઇજા પહોંચી હતી અને પોલીસના ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. 

 

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો વધુ તસવીરો....

અન્ય સમાચારો પણ છે...