રાજકોટ: ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આયોજિત સૌરાષ્ટ્રના પ્રથમ સાહિત્યોત્સવ સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલનો સોમવારે દબદબાભેર પ્રારંભ થયો હતો. પ્રમુખસ્વામી ઓડિટોરિયમનું પરિસર સેંકડો સાહિત્ય અને વાંચન પ્રેમીઓથી ઊમટી પડ્યું હતું. પૂ.મોરારિબાપુઅે પુસ્તક મેળો અને સાહિત્યોત્સવ ખુલ્લો મુક્યો હતો અને કવિશ્રી રાજેન્દ્ર શુક્લને લાઈફટાઈમ અેચિવમેન્ટ એવોર્ડ અર્પણ કર્યો હતો. નીતિન વડગામાએ રાજેન્દ્ર શુક્લનું સાહિત્યમાં પ્રદાન જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના સ્ટેટ એડિટર કાના બાંટવાએ લિટરેચર ફેસ્ટિવલના આયોજન કરવાના અને તેને મળેલા પ્રતિસાદનો આનંદ વ્યક્ત કર્યો હતો. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, સાહિત્યને જાણવા કરતા માણવાની મજા આવે છે.
દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલના પ્રારંભે મોરારિબાપુ ખિલ્યા
કવિતા વિશે કહ્યું છે ‘કવિઓને ઘણા સમયથી સાંભળું છું એટલે કવિતાના બંધારણનો આછો પાતળો ખ્યાલ આવી ગયો છે, ક્યાંય શ્રોતા બનીને ગયા હોય તો કવિતામાં ક્યાંક માત્રા કે બંધારણ કે પછી છંદ આડાઅવળા હોય તો કેટલાક લોકો કહે! પણ મને તો તેને માણવાની મજા આવે એટલે બસ, શું છંદ અને શું માત્રા, તેને માણોને જાણવાની શું જરૂર છે. એવું જ જીવનનું છે.’ પુસ્તકની પ્રાથમિકતા સમજાવતા તેમણે કહ્યું હતું કે, ભજનાલય બને અને ભોજનાલય પણ બને છે, પણ બંને વચ્ચે એક પુસ્તકાલય હોવું જોઇએ. મોરારિબાપુએ પુસ્તકાલય ખુલ્લું મુકાતા સેંકડો પુસ્તક પ્રેમીઓ ઊમટી પડ્યા હતા. આ એસએલએફમાં રિલાયન્સ અને સેસા હેર ઓઇલ(બાન લેબ્સ)નો સહયોગ સાંપડ્યો છે, તેમજ વેન્યૂ પાર્ટનર તરીકે રાજકોટ મહાનગરપાલિકા છે.
રજિસ્ટ્રેશન માટે વધુ એક તક
પુસ્તક પ્રેમીઓની લાગણીને માન આપીને 50% ડિસ્કાઉન્ટ માટેના રજિસ્ટ્રેશન ફરી શરૂ કરાયા છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે 6354588018 નંબર પર નામ, વ્યવસાય, ઉંમર, સરનામુ અને મોબાઇલ નંબર વોટસએપ કરવાનું રહેશે.
આગળની સ્લાઇડ્સમાં ત્રિદિવસીય સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટીવલની ઝલક.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.