રાજકોટ મગફળી કૌભાંડ: 700માં ખરીદી વેપારીઓ ધૂળ ભેળવી સરકારને જ 900માં વેંચે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: કેન્દ્ર સરકારે 8 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાનો આદેશ કર્યો છે ત્યારે ગુજરાતમાં આ મગફળી ખરીદીમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે,જેમાં થોડા મહિનાઓ પુર્વે નાફેડ(નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા)એ રૂ.650થી 700માં વેચેલી મગફળી જ વેપારીઓ ખેડૂતોના નામે સરકારને રૂ.900ના ભાવે માટી ભેળવીને વેચી રહ્યાનો આક્ષેપ ભાજપના પૂર્વ મંત્રીએ કર્યો છે. આ ઉપરાંત ગુજકોમાસોલના વેરહાઉસમાં જગ્યા હોવા છતાં ખાનગી વેરહાઉસ ભાડે રાખવામાં આવતા તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર થયાની શંકા માજી મંત્રીએ વ્યક્ત કરી છે ત્યારે આ બાબતે તપાસ થાય તો કલ્પના બહારનું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. 

 

ભાજપ સરકારના પૂર્વ મંત્રીએ પોતાનું નામ નહીં જાહેર કરવાની શરતે સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની હોય તો તે કામગીરી રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલને સોંપવામાં આવતી હતી અને સ્ટેટમાં ભાજપની સરકાર હોય અને ગુજકોમાસોલના ચેરમેન તરીકે કોંગ્રેસના પદાધિકારી હોય તો પણ આ કામગીરી ભૂતકાળમાં ગુજકોમાસોલને સોંપવામાં આવતી હતી, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે મગફળીની ખરીદી ગુજકોમાસોલ સિવાય અન્ય સંસ્થાને પણ સોંપવામાં આવ્યું છે જેમાં ગુજકોટ અને ઉત્તર ગુજરાતની ડેરીઓનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં ફડચામાં ગયેલી ગુજકોટ અને ડેરીઓના બંધારણમાં પણ મગફળી ખરીદવા અંગેની કોઇ જોગવાઇ ન હોવા છતાં તેની કામગીરી સોંપવામાં આવી હતી જે બાબત શંકાસ્પદ અને અનેક પ્રશ્નો સર્જેતી છે, જ્યારે વર્ષોથી આ કામ કરતી ગુજકોમાસોલને માત્ર 10 ટકા કામગીરી સરકારે સોંપી હતી.

 

આવી રીતે આવ્યું કૌભાંડ બહાર

 

મંગળવારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નાગડકા રોડ પર આવેલા ‌વેરહાઉસમાં જૂનાગઢના બગડુ ગામની સરદાર શાકભાજી અને ફળ સહકારી મંડળીએ મગફળીની ખરીદી કરી સાત ટ્રક મોકલી હતી જેના પગલે મગફળીના ભાવે માટી વેચવાનું અને સરકારની મગફળી જ સરકારને વેચવાના કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે. રાજકોટ પુરવઠા તંત્ર દ્વારા લેવામાં આવેલા મગફળીના નમૂનાઓમાં અમુક સેમ્પલમાં નવી અને જૂની મગફળીની ભેળસેળ કરાયાનું અને અમુક સેમ્પલમાં રાજસ્થાનની મગ‌ફળી પણ ભેળસેળ કરાયાની હકીકત પ્રકાશમાં આવી છે. આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની શંકા સેવાઇ રહી છે. ધારીમાં તો મગફળીની બોરીઓમાંથી ઇંટો નીકળ્યાની ઘટના પ્રકાશમાં આવી છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ફરી રહ્યાનું પણ માજી મંત્રીએ જણાવ્યું હતું. 

 

જવાબદારો સામે ફરિયાદ નોંધાવાશે 

આ કૌભાંડ પાછળ જવાબદાર બગડુની સહકારી મંડળીના સંચાલકો અને ક્વોલિટી એશ્યોરન્સ અધિકારીઓ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ સરદાર શાકભાજી અને ફળ સહકારી મંડળીને બ્લેક લિસ્ટેડ કરવા માટે પણ રિપોર્ટ કરાશે. ડો.વિક્રાંત પાંડે, કલેક્ટર, રાજકોટ જિલ્લા 

 

સેમ્પલમાં રાજસ્થાનની મગફળી અને જૂની મગફળી નીકળી 


રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, મગફળીની બોરીમાં 8 થી 10 કિલો માટી ભરી સરકારને ધાબડી દેવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ રામોદ અને જામવાડીના ગોડાઉનમાંથી પણ મગફળીના નમૂના લેવામાં આવ્યા છે ત્યારે તેમાંથી રાજસ્થાનની સફેદ મગ‌ફળી મળી આવતા તેના નમૂના એફએસએલમાં મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તેમજ અમુક બોરીમાં નવી મગફળી સાથે જૂની મગ‌ફળીના સેમ્પલ નીકળતા તે બાબતે પણ તપાસ હાથ ધરી છે. 


તલાટી-મંત્રીઓ ખોટા દાખલા આપી કૌભાંડમાં મદદગારી કરે છે 


કેન્દ્ર સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની જવાબદારી નાફેડને સોંપ્યા બાદ ગુજરાતમાં આ કામગીરી ગુજકોટ, ગુજકોમાસોલ અને સંઘ અને મંડળીઓને સોંપવામાં આવી હતી અને મંડળીઓ ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરી તે વેરહાઉસમાં મોકલે છે અને વેરહાઉસમાં જવાબદાર અધિકારીએ તેની ચકાસણી કર્યા બાદ સર્ટિફિકેટ આપવાનું હોય છે અને તેના આધારે ખેડૂતોને પેમેન્ટ ચૂકવવામાં આવે છે, પરંતુ આવા કૌભાંડમાં તલાટી મંત્રીઓ વેપારીઓ સાથે સંડોવાયેલા હોવાથી તેઓ માલનું વાવેતર ન કર્યું હોવા છતાં તેના ખોટા રેકર્ડ બનાવી બજારની ઓછા ભાવની મગફળી નાફેડને ધાબડવામાં મદદરૂપ બનતા હોય છે તેથી કલેક્ટરે તેમના વિસ્તારમાં ધ્યાન રાખવું જોઇએ. વી.આર.પટેલ, ચેરમેન, નાફેડ


સરકારી ગોડાઉન ખાલી હોવા છતાં ખાનગી ગોડાઉન ભાડે રખાયા 


સરકારી ગોડાઉન ખાલી હોવા છતાં ખાનગી ગોડાઉન ભાડે રાખવામાં આવ્યા હતા અને તેના માટે સેન્ટ્રલ વેરહાઉસિંગ દ્વારા ખાનગી ગોડાઉનના માલિકોને ફૂટ દીઠ રૂ.12 ભાડું આપવામાં આવે છે અને તેમાંથી કમિશન લઇ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની શંકા છે ત્યારે આ બાબતે તપાસ થવી જરૂરી છે. 

 

મગફળીની તમામ ખરીદી બાબતે તપાસ કરવા રાજ્ય સરકારને પત્ર 


નાફેડના ચેરમેન વી.આર.પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢની બગડુ ગામની સરદાર શાકભાજી અને ફળ સહકારી મંડળીનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારને જૂનાગઢના ત્રણ સેન્ટર પરથી ખરીદ કરાયેલા તમામ મગફળીના જથ્થાની ચકાસણી કરવા પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...