કજિયાનું મોં કાળંુ: રાજકોટના થિયેટર માલિકો પદ્માવત ફિલ્મ દેખાડશે નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટના મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં પદ્માવત ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય સિનેમા સંચાલકો અને માલિકોએ લીધો છે. શનિવારે સાંજે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કોસ્મોપ્લેક્સ સિનેમા ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિ અને ક્ષત્રિય સમાજની લાગણીને માન આપીને પદ્માવત ફિલ્મ રાજકોટ ઉપરાંત જામનગરના સિનેમાઘરોમાં પણ નહીં દર્શાવવામાં આવે તેવી ખાતરી સિનેમાઘરોના માલિકોએ આપી હતી.

 

અજયભાઈ બગડાઈ સહિતના સિનેમા સંચાલકોને મળ્યા હતા

 

આમ છતાં આગામી દિવસોમાં શું કાર્યક્રમો આપવા તે અંગેની રણનીતિ ઘડી કાઢવા રવિવારે સવારે ફરી એક વખત ક્ષત્રિય અને અન્ય સમાજના આગેવાનોની બેઠક સવારે બોલાવવામાં આવી છે. પદ્માવત સંઘર્ષ સમિતિની રચના કર્યા બાદ કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો ઓલ ગુજરાત સિનેમા એસોસિએશનના ઉપપ્રમુખ અને રાજકોટની કોસ્મોપ્લેક્સ સિનેમાના માલિક અજયભાઈ બગડાઈ સહિતના સિનેમા સંચાલકોને મળ્યા હતા.

 

 કોસ્મોપ્લેક્સ સિનેમા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

 

કરણી સેનાના રાજભા ઝાલા, રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા તેમજ પી.ટી. જાડેજા અને હરિશચંદ્રસિંહ જાડેજાએ કરેલી રજૂઆત બાદ ફિલ્મ ન દર્શાવવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન શુક્રવારે મળેલી ક્ષત્રિય સમાજની બેઠકને ગંભીરતાથી લઈ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે ખાસ કરીને કોસ્મોપ્લેક્સ સિનેમા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કરણી સેનાની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી હતી.

 

પદ્માવત સંઘર્ષ સમિતિ (રાજકોટ)ની રચના કરાઈ

 

પદ્માવત ફિલ્મ કોઈપણ કાળે રાજકોટ સહિત દેશભરમાં રિલીઝ ન થાય તે માટે ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં છે ત્યારે રણનીતિના ભાગરૂપે માત્ર ક્ષત્રિયો જ નહીં, પરંતુ તમામ સમાજને સાથે રાખીને લડત ચલાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે શનિવારે બપોરે ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને તેમાં તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

 

 

અને રવિવારે બપોરે 12 વાગ્યે ગરાસિયા બોર્ડિંગ ખાતે જ ક્ષત્રિયો ઉપરાંત તમામ સમાજના આગેવાનો અને હિન્દુ ધર્મના સંતો-મહંતોની હાજરીમાં આગામી દિવસોમાં શું કરવું તે અંગેની રણનીતિ ઘડી કાઢવામાં આવશે. શનિવારે મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રવીણસિંહજી જાડેજા (સોળિયા), હરિશચંદ્રસિંહ જાડેજા (માખાવડ), નરેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા અને રાજભા ઝાલા સહિતના યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.

 

પદ્માવત વિશે ટિપ્પણી કરનાર અનિલ કપૂરને હોટેલના પાછલા દરવાજેથી લઈ જવાયા


રાજકોટમાં એક શો-રૂમના ઉદ્દઘાટન માટે આવેલા ફિલ્મ અભિનેતા અનિલ કપૂરે પદ્માવત ફિલ્મ રજૂ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું તેમ મીડિયા સમક્ષ જણાવતા કરણી સેના અને ક્ષત્રિય સમાજના યુવાનોએ ભારે વિરોધ નોંધાવી અનિલ કપૂર માફી માગે તેવી માગ કરી હતી અને અનિલ કપૂર જે શો-રૂમના ઉદ્દઘાટનમાં આવ્યા હતા તે શો-રૂમના સંચાલકો સામે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

 

 

અને અભિનેતાને જયાં ઉતારો અપાયો હતો તે ઈમ્પિરિયલ હોટેલ ખાતે પણ ક્ષત્રિય સમાજના યુવાનો ધસી જતાં પરિસ્થિતિ પામી ગયેલી પોલીસે અનિલ કપૂરને હોટેલના પાછલા દરવાજેથી ચુસ્ત બંદોબસ્ત સાથે સાંજે ચાર વાગ્યે એરપોર્ટ લઈ જવાયા હતા. ત્યાંથી ફલાઈટમાં અભિનેતા મુંબઈ જવા રવાના થઈ ગયા હતા.

 

સિનેમાના માલિકોને ઓછામાં ઓછી 1.25 કરોડની નુકસાની


રાજકોટના મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્કીન સિનેમાના માલિકો અને સંચાલકોએ ક્ષત્રિય સમાજની લાગણીને માન આપીને પદ્માવત ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ, માત્ર રાજકોટના સિનેમા સંચાલકો અને માલિકોને ઓછામાં ઓછી 1.25 કરોડ રૂપિયાની નુકસાની જશે. આ અંગે વધુમાં જણાવતા ઓલ ગુજરાત સિનેમા એસોસિએશનના ઉપપ્રમુખ અજયભાઈ બગડાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 125 જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમા છે. આ તમામના માલિકોને ખાસ્સી નુકસાની વેઠવી પડશે.

 

અન્ય સમાચારો પણ છે...