તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્દોરને સફાઇમાં નંબર વન બનાવનાર એજન્સીને રાજકોટ કોર્પોરેશને રોકી, સવાલ હવે દાનતનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ શહેર 18મા ક્રમથી 35 ક્રમે ધકેલાયા બાદ મનપાએ હવે ઇન્દોરમાં સેવા આપનાર એજન્સીને રોકી કામ કરાવવા માગે છે. આ માટે કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલી છે અને ગુરુવારે યોજાનાર સ્ટેન્ડિંગની બેઠકમાં એજન્સીને કામ આપવા અંગે લીલીઝંડી આપવામાં આવશે. એજન્સીના છથી સાત અધિકારીઓ નવ માસ રાજકોટમાં રોકાશે અને મનપાને સફાઇ અંગે સલાહ આપશે. જેના બદલામાં મનપાને દર મહિને 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. એજન્સીના નિષ્ણાત અધિકારીઓ જે સલાહ આપે તે મુજબ કામ થાય તે જરૂરી છે અને તે માટે રાજકીય ઇચ્છા શક્તિની જરૂર હોય છે.

 

અધિકારીઓની ફોજ છતાં અનેક કામોમાં નિષ્ણાતોની સલાહ પાછળ મનપા લાખો ખર્ચે છે પણ અમલ શૂન્ય


રાજકોટ મહાનગરપાલિકાને ગત સર્વેક્ષણમાં 35મા ક્રમ આવતા મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ માટે ઇન્દોરમાં સેવા આપનાર નેશનલ ઇન્ફોર્મેટિક્લ સેન્ટર સર્વિસિઝ ઇન્કોપોરેટેડને નવ માસ માટે રોકવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલી છે. ઇન્દોર દેશમાં સફાઇમાં નંબર વન આવ્યા બાદ આ એજન્સીની માગ વધી ગઇ છે. વડોદરા બાદ રાજકોટ શહેર આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપશે. એજન્સીને મહિને 4થી 5 લાખ રૂપિયા પગાર પેટે આપવામાં આવશે. જેના બદલામાં એજન્સીના અધિકારીઓ સોલિડ વેસ્ટનું પ્લાનિંગ કેમ કરવું, ટેક્નોલોજીનો ઉપયોગ કેમ વધારવો, વેસ્ટ કચરામાંથી પ્રોડક્ટ બનાવવી, કચરાનું પ્રોસેસિંગ સહિતની કામગીરી માટે સલાહ આપશે. મનપાએ અગાઉ પણ લાખો રૂપિયા સલાહ પાછળ ખર્ચ કર્યો, પરંતુ તેમાં જે સૂચનો કરવામાં આવ્યા હોય તેનો અમલ કરવામાં આવતો નથી ત્યારે હવે સફાઇમાં આ એજન્સીની સલાહ માન્ય રાખી કામ થશે કે માત્ર ખર્ચા તે આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે.

 

આજની સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત અંગે નિર્ણય

 

- શ્વાન ખસીકરણ માટે રૂ.2408ના ભાવે એજન્સીને બે વર્ષનું કામ આપવું
- રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં પાણી ફિલ્ટર ખરાબ થઇ જતાં તે રિપેરિંગ કામના ખર્ચને મંજૂરી આપવી
- ન્યારીની મુખ્ય લાઇન કે જે વર્ષો જૂની હોવાથી કાલાવડ રોડ પર અવાર નવાર તૂટે છે તે બદલાવવી
- 6000 ટ્રી-ગાર્ડની ખરીદી કરવી, એક ગાર્ડનો 1073 ભાવ એજન્સીની ઓફર
- વિવિધ ક્રિકેટ ટૂર્નામેન્ટ તેમજ રેસકોર્સ સંકુલમાં રમતગમતના સાધનની ખરીદીનો ખર્ચ મંજૂર કરવો
- રૈયાનાકા ટાવર અને બેડીનાકા ટાવરની બંધ ઘડિયાળ રિપેરિંગ કામ
- 80 ફૂટ રોડ ફિલ્ડમાર્શલ સામે આવેલા રામનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મેટલિંગ કરવું

 

આ સલાહોથી ઇન્દોર બન્યું નંબર વન


- 2018માં ભીનો-સૂકો કચરો ફેંકવા 3000 ટ્વિન ડસ્ટબિન મુકાવી
- 7000 સફાઇ કર્મચારીમાંથી મહિલા પર ભાર મુક્યો
- 60 ટકા દિવસમાં અને 40 ટકા કર્મચારીએ રાત્રે સફાઇ કરાવી
- ઇન્ટરનેશનલ વેસ્ટ મેનેજમેન્ટના 200 કર્મચારી પાસે મશીનથી સફાઇ શરૂ કરાવી
- દરેક સફાઇ કર્મચારીઓને માત્ર 500થી 800 મીટરની જવાબદારી
- રહેણાક વિસ્તારમાં દિવસે એક વખત, બજારોમાં બેથી ત્રણ વખત સફાઇ શરૂ કરાવી
- રાત્રે 12 મશીનથી 500 કિમી લાંબા માર્ગો પર સફાઇ શરૂ કરાવી
- ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 525 ગાડી, જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરાવ્યો
- સેનેટરી પેડ અને ડાયપર એકત્ર કરવા ગાડીમાં અલગ વ્યવસ્થા
- ગંદકી કરવા બદલ 1 લાખ, થૂંકવા, ખુલ્લામાં શૌચ અને લઘુશંકા પર 100થી 500નો દંડ
- 172 પબ્લિક અને 125 કમ્યુનિટી નવા ટોઇલેટ બન્યા જેમાં સેનેટરી નેપકીન વેડિંગ મશીન અને તેને નષ્ટ કરવા મશીન મુકાવ્યા

 


આ સલાહો રાજકોટે નંબર વન બનવા માટે માનવી પડશે


- રાજકોટમાં અલગ અલગ ડસ્ટબિન મૂકવામાં આવી, પણ થોડા દિવસોમાં જ તે તૂટી ગઇ, ચોરાઇ ગઇ તે નવી મુકાવશે.
- શહેરનો વિસ્તાર વધ્યો તે પ્રમાણે સફાઇ કર્મચારીઓની નિમણૂક થાય
- રાત્રી સફાઇની કામગીરી જે શરૂ થઇ હતી તે ફરીથી શરૂ કરાવશે
- સફાઇ કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવશે
- દરેક ઘરોમાં ભીનો અને સૂકો કચરો અલગ અલગ  થાય અને તે ટિપરવાનમાં પણ અલગ રહે તેવી વ્યવાસ્થા ઊભી કરાશે
- ડોર ટુ ડોર કચરો લેવા માટે ટિપરવાનની સંખ્યામાં વધારો કરાશે
- રેસ્ટોરન્ટ અને હોટેલમાંથી નીકળતા કચરાનું પ્રોસેસિંગ શરૂ કરાવશે
- શહેરમાં જાહેર શૌચાલયની સફાઇ થાય તે પ્રકારેની વ્યવસ્થા ઊભી કરાવશે
- કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની વ્યવસ્થા કરાવશે

 

એજન્સી શા માટે?


સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ શહેર માત્ર દેશમાં ટોપ ટેનમાં આવે તે માટે નહીં પણ શહેરને કંઇ વધુ સારી સુવિધા મળે તે હેતુથી એજન્સી રોકવામાં આવી રહી છે. એજન્સી પ્રોસેસિંગ, ડિસ્ટ્રિબ્યૂશન પધ્ધતિમાં નવું મોડલ આપશે, હાલ જે ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે તેમાં કેવા સુધારા કરવા, કચરામાંથી આવક કેમ ઊભી કરવી તેની સલાહ આપશે. રાજકોટ શહેરને બેસ્ટ બનાવવા માટે એજન્સી રોકવામાં આવી રહી છે. -બંછાનીધિ પાની, કમિશનર મનપા