રાજકોટ: કુમારભાઈ ઠાકરેની યોગ્ય સારવાર-સંભાળ માટે મુખ્યમંત્રીનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુશાભાઉ ઠાકરેના પિતરાઈ કુમારભાઈ ઠાકરે કેવી બદતર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સબડી રહ્યા છે તેનો સચિત્ર અહેવાલ દિવ્ય ભાસ્કરે ગુરુવારે પ્રસિધ્ધ કર્યો હતો. આ અહેવાલનો પડઘો સવારે ગાંધીનગર પહોંચતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુમારભાઇની સારામાં સારી સંભાળ અને સારવાર કરાવવાનો આદેશ કર્યો હતો. તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા વોર્ડમાં આવી તેને શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ કુમારભાઈને ગંદાં ગોદડામાંથી ઉઠાવી એ.સી. રૂમમાં રાખવામાં આવ્યા છે અને તમામ પ્રકારની સારવાર અને સંભાળ રાખવામાં આવી રહી છે. જો કે, હજુ પણ તેમની હાલત અતિ ગંભીર છે તે માટે 24 કલાક નર્સિંગ સ્ટાફ અને તબીબોની ટીમ તેમની સંભાળ માટે ખડેપગે રાખવામાં આવી છે. 


હું બરાબર છું, બીજાનું ધ્યાન રાખો : સેવાનો સ્વભાવ યથાવત્ 
આજીવન સેવાના ભેખધારી કુમારભાઇને જ્યારે તબીબો અને સ્ટાફે બીજા રૂમમાં લઇ જવાની વાત કરી ત્યારે તેમણે પોતાના સ્વભાવગત તબીબોને વિનંતી કરી કે, 'હું જ્યાં છું ત્યાં બરાબર છું, તકલીફ નથી મારે બદલે એવા દર્દીઓનું ધ્યાન રાખો કે જેને જરૂર છે.' સારવાર બાબતે તેમણે યુવાન તબીબ ડો.હર્ષિલ શાહના વખાણ કરતા કહ્યું કે 'મારી દોસ્તી થઇ ગઇ છે બધા સાથે સારવારમાં કોઇ તકલીફ નથી પડવા દેતા, ખાલી ચાદરનો પ્રશ્ન હતો તે પણ બદલાઇ ગઇ.' જીવનની આ ઘડીએ પણ તેમણે પોતાનો સ્વભાવ ગુમાવ્યો ન હતો. 


કેન્સરને લીધે હાલત હજુ પણ નાજુક છે 
વહેલી સવારે મુખ્યમંત્રી કાર્યાલયથી ફોન આવતા કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. વોર્ડ નં-7ના જનરલ વોર્ડમાંથી આઈસોલેશન રૂમમાં રખાયા છે. કુમારભાઈની હાલત હજુ પણ નાજુક છે. સારવાર બાબતે પૂછતા તેમણે કોઇ ફરિયાદ ન હોવાનું કહ્યું છે. સંભાળ રાખવા કોઇ હતું નહીં તે માટે નર્સિંગ સ્ટાફ રખાયો છે.  ડો. મનીષ મહેતા, સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે ગુરુવારે સવારે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ વોર્ડમાં પહોંચી ગયા હતા અને કુમારભાઇને અલગ રૂમમાં ખસેડવાની સૂચના આપી હતી. 

અન્ય સમાચારો પણ છે...