રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા અને સાત મહિના પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર ડોક્ટરે પત્ની સાથેના ઝઘડાથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. પતિ-પત્ની વચ્ચે શનિવારે રાત્રે પણ ઝઘડો થયો હતો. કરણપાર્ક પાસેની ભીમરાવ સોસાયટીમાં રહેતા ડો.વિપુલ મોહનભાઇ પારિયા (ઉ.વ.25)એ રવિવારે બપોરે પોતાના ઘરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ઉમેદભાઇ પવાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. તબીબના આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ડો.વિપુલ પારિયા શહેરની બી.ટી.સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને શહેરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પૂજા સાથે પ્રેમ થયા બાદ બંનેએ સાત મહિના પૂર્વે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પતિ-પત્ની ભીમરાવ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. લગ્ન બાદ કોઇ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતાં. શનિવારે રાત્રે પણ બંને વચ્ચે બોલાચાલી થતાં પત્ની પૂજાબેનને તેમના પિતા તેડી ગયા હતા.
ઝઘડા બાદ પત્ની પિયર જતાં રહેતા તે બાબતનું માઠું લાગી આવતાં તબીબે પગલું ભરી લીધું હતું. ડો.વિપુલ પારિયા રોહીશાળા ગામના વતની હતા અને ત્રણ ભાઇમાં સૌથી નાના હતા. વિપુલ પારિયાએ એમએસ સુધી અભ્યાસ કર્યો હતો. યુવાન અને આશાસ્પદ પુત્રના આપઘાતથી પારિયા પરિવાર શોકના દરિયામાં ડૂબી ગયો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.