તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયમી ધોરણે વીજ કનેક્શન કાપી નખાયું છે તેવા શહેરના 9259 ગ્રાહકોને વ્યાજમાં 100 અને મુદ્દલમાં 50 ટકા માફી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ગુજરાત સરકાર અને પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા બાકી વીજબિલ માટે એમ્નેસ્ટી-2018 માફી યોજના અમલી કરી છે જેમાં તારીખ 31 મે 2018 કે તે પહેલા જે ગ્રાહકોના વીજ કનેક્શન કાયમી ધોરણે કાપી નાખવામાં આવ્યા છે તેમને આ યોજના અંતર્ગત વ્યાજમાં 100 ટકા અને મુદ્દલમાં 50 ટકા માફીનો લાભ આપવામાં આવશે.

 

પીજીવીસીએલને 9259 ગ્રાહકો પાસેથી 8.99 કરોડ વસૂલવાના બાકી, વીજકંપની વ્યાજ જતું કરશે

 

રાજકોટ શહેરમાં 9259 વીજગ્રાહકો એવા છે જેમના વીજ કનેક્શન કાયમી ધોરણે બંધ કરી દેવાયા તેવા તમામ ગ્રાહકોને આ યોજના અંતર્ગત લાભ આપવા વીજકંપનીની ટીમ દરેક સબ ડિવિઝન વાઈઝ માફી મેલા પણ યોજી રહી છે જેમાં વીજ કનેક્શન કપાયેલા દરેક ગ્રાહકનો વ્યક્તિગત સંપર્ક કરીને આ યોજના અંગે તેને અવગત કરાવાશે. વીજ કર્મચારીઓ સ્થળ પર જઈ માફી મેળા યોજીને આ યોજના અંગે જાગૃતિ ફેલાવશે. આગામી 30 સપ્ટેમ્બર સુધી વીજ કનેક્શન કપાયેલા ગ્રાહકો આ યોજનાનો લાભ લઇ શકશે. એક મહિનામાં દરેક સબ ડિવિઝને ચાર-ચાર માફી મેળા યોજવાનો ટાર્ગેટ રખાયો છે.

 

શહેરના તમામ 18 સબ ડિવિઝનમાં માફી મેળાનું પણ પીજીવીસીએલ દ્વારા આયોજન કરાયું છે જેમાં વીજ કર્મીઓ શહેરના દરેક વિસ્તારમાં જઈને માફી મેળા યોજશે અને આ યોજના અંગે લોકોને માર્ગદર્શન આપશે. દરેક સબ ડિવિઝન વાઈઝ 3 કર્મી દરરોજ 10-10 વીજગ્રાહકોને આ યોજના અંગે સમજાવશે.

 

માફી યોજનાનું ગણિત


- ધારો કે કોઈ વીજ ગ્રાહકના 1000 રૂપિયા બિલ બાકી છે
- જેમાં 500 રૂપિયા વ્યાજ અને 500 રૂપિયા મુદ્દલ છે
- માફી યોજના હેઠળ વ્યાજ રૂપિયા 500 સંપૂર્ણ માફ કરાશે
- મુદ્દલ 50 ટકા એટલે કે 250 રૂપિયા માફ થશે
- ગ્રાહકને માત્ર રૂપિયા 250 ભરવાપાત્ર થશે

 

વધુમાં વધુ ગ્રાહકોને લાભ મળે તેવો આશય


બાકી વીજબિલ માટે અમલી કરાયેલી એમ્નેસ્ટી યોજનાનો લાભ વધુમાં વધુ ગ્રાહકોને મળે તે માટે પીજીવીસીએલ રાજકોટ સિટી સર્કલ દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના દરેક સબ ડિવિઝન વાઈઝ જે લોકોના ઘણા સમયથી બિલ બાકી છે તેવા લોકોનો વીજ કર્મચારીઓ રૂબરૂ સંપર્ક કરી આ યોજના અંગે જાણકારી અને પ્રક્રિયા સમજાવશે. નિર્ધારિત સમય સુધી જ અમલી આ યોજનાનો લાભ વધુમાં વધુ ગ્રાહકો લે.  -પી.એન. વ્યાસ, અધિક્ષક ઈજનેર, સિટી સર્કલ, PGVCL