તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તકાશીમાં વધુ એક રાજકોટની મહિલાનું મોત, મૃત્યુઆંક 8 થયો, સાંજે આવશે મૃતદેહો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ઉત્તરકાશીમાં ગઇકાલે શુક્રવારે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન કંચનબેન હેમરાજભાઇનું મોત નીપજતા રાજકોટના યાત્રિકોનો મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. ઉત્તરકાશીથી મૃતકોના મૃતદેહો રાજકોટ સાંજે આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ઉત્તરકાશી પાસે અકસ્માતનો ભોગ બનેલા કડિયા જ્ઞાતિના તમામ હતપ્રત સભ્યો ગાઢ મિત્રતા ધરાવતા હતા. મિત્રોએ અમરનાથ તેમજ હરિદ્વારના દર્શન કર્યા હતા પણ પત્નીઓને સાથે લઇને યાત્રા કરી ન હતી એટલે તમામે જીવનમાં પહેલીવાર ચારધામની યાત્રા કરવાનું નક્કી કર્યું. આ માટે કોઇ ટૂર પેકેજ રાખવાને બદલે પોતાની રીતે જ રૂટ નક્કી કર્યા હતા. જે મુજબ 30મીએ રાત્રે ચાર દંપતી ટ્રેન મારફત રાજકોટથી નીકળી અમદાવાદ પહોંચ્યા હતા.

 

13થી વધુ સંતાનોએ ગુમાવી માતા-પિતાની છત્રછાંયા

 

આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાંથી રામેશ્વર સોસાયટીમાં રહેતા કડિયા ભગવાનજીભાઇ રાઠોડને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતાં દેવજીભાઇ ટાંકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમજ હેમરાજભાઇ રામપરિયા અને મગનભાઇ સાપરિયાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તો ચંદુભાઇ ટાંકને બે પુત્ર અને એક પુત્રી છે. આમ આ બનાવમાં કુલ 13થી વધુ સંતાનોએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવી છે. બનાવને પગલે મૃતકોના નિવાસસ્થાને પાડોશી અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતાં અને અચાનક માતા-પિતા વિહોણા બનેલા સંતાનોને સાંત્વના પાઠવી રહ્યા છે.

 

હતભાગીઓનો મૃતદેહોને લેવા વડોદરાથી એરફોર્સનું ચોપર લેવા જશે

 

ગંગોત્રીમાં સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓના મૃતદેહ લેવા વડોડરાથી એરફોર્સનું ચોપર દહેરાદૂન જશે. જે સાંજે છએક વાગ્યા સુધીમાં દહેરાદૂનથી રાજકોટ આવી જાય એવી સંભાવના છે.

 

ઉત્તરકાશીમાં રાજકોટના 8નાં મોતઃ ગંગોત્રીના દર્શન થયા, ત્રણ ધામની યાત્રા પૂર્ણ ન કરી શક્યા