Home » Saurashtra » Latest News » Rajkot City » More than six valves of municipal corporation fit in different societies

મહાનગરપાલિકાના વધુ છ વાલ્વ જુદી-જુદી સોસાયટીમાં ફિટ થયાનો ધડાકો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:53 AM

વાલ્વ કૌભાંડ: જે. કે. સાગર વાટિકામાંથી ત્રણ વાલ્વ મળી આવ્યા બાદ નવી વિગતોનો ઘટસ્ફોટ

 • More than six valves of municipal corporation fit in different societies

  રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના બહુચર્ચિત વાલ્વ કૌભાંડનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કરતાં મનપા તંત્રે 11 કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ નોંધાવી મામલાને સમેટી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ‘દિવ્ય ભાસ્કરે’ શુક્રવારે રાત્રે ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખી મવડી વિસ્તારના જે.કે.વાટિકામાં સ્ટિંગ ઓપરેશન કરતાં ત્રણ વાલ્વ મળી આવ્યા હતા. પોલીસે વાલ્વ કબજે કરી તપાસ આગળ ધપાવતાં વધુ છ વાલ્વ જુદી-જુદી સોસાયટીઓમાં ફિટ કરી દેવાયાના સંકેતો મળતાં પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

  વાલ્વ કૌભાંડની તપાસમાં 11 પૈકીના બે આરોપીઓની ધરપકડ થઇ છે અન્ય સાતના આગોતરા મંજૂર થયા છે, જ્યારે અન્ય બે આરોપીઓ નાસતા ફરે છે. 31 વાલ્વની ચોરી થયાની મનપાએ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ મસમોટું કૌભાંડ છે અને તે બાબત શુક્રવારે પુરવાર થઇ હતી. મવડી રામધણ આશ્રમની પાછળ 80 ફૂટ રોડ પર આવેલી જે.કે.વાટિકામાં મનપાના વાલ્વ ફિટ થયાની પૂરી ખાતરી સાથે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ખાબક્યો હતો અને ત્રણ વાલ્વ શોધી કાઢ્યા હતા.

  મનપાના વાલ્વ ફિટ કરી દેવાયાનો ધડાકો થતાં સોસાયટીના કોન્ટ્રાક્ટર રવજીભાઇ જીવાભાઇ ખૂંટ તત્કાલીન સમયે સ્થળ પર દોડી આવ્યા હતા. શનિવારે પોલીસે રવજીભાઇ ખૂંટની પૂછપરછ કરતાં વધુ છ વાલ્વ પણ જુદી-જુદી સોસાયટીમાં ફિટ કરી દેવાયાની પોલીસને હકીકત મળી હતી. પોલીસે કબજે થયેલા ત્રણ વાલ્વ અને વધુ છ વાલ્વની વિગતો મેળવી તે અંગેના રેકોર્ડ મનપામાંથી મેળવવાના પણ ચક્રો ગતિમાન કર્યા હતા. ક્રાઇમ બ્રાંચની ધીરજપૂર્વક પરંતુ મક્કમતાથી આગળ વધી રહેલી તપાસમાં આગામી દિવસોમાં રેલો મનપાના એન્જિનિયરો સુધી પહોંચવાના સંકેતો મળી રહ્યા છે.

  ઇન્ડેન્ટની તપાસના આધારે કૌભાંડિયા ઇજનેરો ભેરવાશે


  ક્રાઇમ બ્રાંચે જે 25 વાલ્વ કબજે કર્યા છે તેના ઇન્ડેન્ટ પણ તપાસ માટે લીધા છે. પોલીસે આ તમામ ઇન્ડેન્ટની સઘન તપાસ આદરી છે. આ તપાસમાં કોર્પોરેશનના જ કેટલાક ઇજનેરોની મેલી મુરાદની ભાળ મળી શકે છે. કોર્પોરેશન પાસે નોટિસ પાઠવાયેલા તમામ ઇજનેરોની બીજી વિગતો પણ મંગાવવામાં આવી છે. જેના આધારે પોલીસ હવે મનપાના કર્મચારીઓને પણ પૂછપરછ માટે બોલાવશે.

  ઇજનેરોએ વાલ્વની વિગતો છુપાવી, હવે પોલીસે મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીને પત્ર લખવો પડ્યો


  વાલ્વ કૌભાંડની મહાનગરપાલિકાના ઇજનેરે ગત તા.19ના ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે 11 કોન્ટ્રાક્ટરના નામ આપ્યા હતા. સમગ્ર કૌભાંડમાં મહાનગરપાલિકાના અનેક ઇજનેરો સંડોવાયાની વાત જગજાહેર છે, પરંતુ મનપાના અધિકારીઓ તેને છાવરી રહ્યા છે. પોલીસે કૌભાંડનું ચિત્ર સ્પષ્ટ કરવા તત્કાલીન સમયે જ વાલ્વના ઇન્ડેન્ટ, જે વાલ્વ ચોરી થયાનું દર્શાવ્યું છે તે જ વાલ્વની મજૂરી પણ ચૂકવવામાં આવી છે.

  તેના બિલ અને આરોપી કોન્ટ્રાક્ટરોને કુલ કેટલી મજૂરી ચૂકવવામાં આવી હતી સહિતની વિગતો મગાવી હતી. 11-11 દિવસ વીતી જવા છતાં મનપાએ વિગતો નહીં આપતાં તપાસનીશ અધિકારીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તમામ વિગતો પૂરી પાડવા જણાવ્યું છે. તપાસનીશ અધિકારીએ મગાવેલી વિગતો મ્યુનિસિપલ કમિશનર તાકીદે પૂરી પાડે છે કે વિગતો સાંપડતી નથી તેવા જવાબ આપે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

  જપ્ત વાલ્વ આપવા પોલીસ તૈયાર, મનપાને નથી રસ!


  વાલ્વ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે મનપાની ટેક્નિકલ વિજિલન્સે જે 25 વાલ્વ કોન્ટ્રાક્ટરો પાસેથી મેળવ્યા હતા તેનો કબજો લીધો હતો. ક્રાઇમ બ્રાંચે 25 વાલ્વની તપાસ કરી લેતા મનપા હવે વાલ્વ પરત લઇ શકે તેમ જણાવ્યું હતું. પોલીસે બે વખત કહેવા છતાં મહાનગરપાલિકાએ લાખો રૂપિયાની કિંમતના આ વાલ્વ પોતાના કબજામાં પરત લેવા માટે કોર્ટમાં કોઇપણ કાર્યવાહી કરી નથી.

  નવો ફણગો: કોન્ટ્રાક્ટરો માટે વાલ્વમાં લુહારકામ કરનાર શખ્સ શંકાના દાયરામાં

  વાલ્વ કૌભાંડમાં જેટલા શખ્સો સંડોવાયેલા છે એ તમામને જોડતી એક કડીની વિગત ભાસ્કરને મળી હતી. આ માટે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ.બી. ધાંધલિયા અને એએસઆઈ વિજયસિંહ ઝાલાને જાણ કરતા જયેન્દ્ર ભરત પરમાર ઉર્ફે ટીના સુધી પહોંચ્યા હતા. પોલીસે જયેન્દ્રની પૂછપરછમાં નવો ફણગો ફૂટ્યો હતો કે, જયેન્દ્ર કોન્ટ્રાક્ટરોના સંપર્કમાં હતો અને વાલ્વ માટેની ટી બનાવવાનું લુહારી કામ કરે છે.

  પોલીસની પૂછપરછમાં તેણે તમામ કોન્ટ્રાક્ટરોના નામ આપી દીધા છે. જેમાં ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલા ઉપરાંતના પણ ઘણા કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે. પોલીસ જયેન્દ્રએ આપેલી વિગતોમાંથી ઘણી શંકાઓ ઉપજતા તેને નોટિસ આપી છે. તેણે આપેલા લિસ્ટના આધારે આરોપી અને અન્ય કોન્ટ્રાક્ટરો સુધી પહોંચી વાલ્વ કૌભાંડની તપાસ વેગવંતી બનાવવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

  આટલા શંકાસ્પદ મુદ્દાઓની તપાસ મહાનગરપાલિકાએ કેમ નથી કરી?

  -ફરિયાદમાં ઉલ્લેખાયેલા વાલ્વ કોણે મૂકવા કહ્યું તે જાહેર ન થયું.
  -ચોપડે નોંધાયેલા 31 વાલ્વ તેનો ફિટિંગ ચાર્જ કેટલો અને ક્યારે અપાયો
  -નોટિસ અપાઇ તે ઈજનેરોની તમામ ઇન્ડેન્ટ બુકની તપાસ કેમ નહીં
  -મનપામાં કેટલા વાલ્વ આવ્યા, કેટલા બદલાવવા અને કેટલા નવા મૂકવા માટે વપરાયા, ભંગારમાં કેટલા પરત આવ્યા તેના આંકડા જાહેર થયા નથી.
  -વાલ્વની સાથે જે ઇન્ડેન્ટ તપાસમાં લેવાયા તેમાં નોંધાયેલા બીજા વાલ્વ કેમ ચેક ન કરાયા
  -મહેશ પ્રજાપતિ આસિસ્ટન્ટ ઈજનેર હતો અને સસ્પેન્ડ કરાયો છે, જ્યારે તેના ઉપરી અધિકારી સ્ટોરના ડેપ્યુટી ઈજનેરને નોટિસ સુધ્ધાં કેમ નહીં
  -પ્રજાપતિએ રેકોર્ડ બુકમાં ક્યા ચેડાં કર્યા તો તેણે સસ્પેન્ડ કરવાની જરૂર પડી
  -મહેશ પહેલાથી શંકાના દાયરામાં હતો તો પછી તેને વાલ્વની તપાસ માટે ટેક્નિકલ વિજિલન્સનો તપાસનીશ શા માટે બનાવાયો
  - તે તપાસનીશ હતો ત્યારે જ સસ્પેન્ડ કરાયો એટલે પોતાની ગેરરીતિ તો તેણે જ બતાવી હોય તો પછી તેની પાસે રેકોર્ડ ન હોવાથી તપાસ કોણે કરી, ક્યારે કરી તે તમામ સવાલોના જવાબ જરૂરી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ