એકવારના પ્રેમલગ્નથી ન ધરાણા તો રાજકોટનો શિક્ષક ફરી કલાર્કના પ્રેમમાં પડ્યા

દિલફેંક પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ છૂટાછેડા માટે રૂ. 35 લાખ માગ્યા, પતિ માગ પૂરી ન કરી શકતા મામલો કોર્ટમાં

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 11:32 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ: ઘરકંકાસના બનાવોમાં સામાન્ય લોકો જ નહીં, પરંતુ સુશિક્ષિત દંપતીઓ વચ્ચે પણ એવી સામાન્ય વાતોમાં દાંપત્ય જીવનમાં તિરાડ પડતાં મામલો પોલીસ કે અદાલત સુધી પહોંચતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક કિસ્સો સુશિક્ષિત દંપતી વચ્ચે નજીવા મુદ્દે દાંપત્ય જીવનમાં આગનો પલિતો ચંપાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. રીના નામની યુવતીએ એમ.કોમ સુધી અભ્યાસ કર્યા બાદ તે ખાનગી શાળાના શિક્ષક એવા મનોજ નામના યુવાનના ખાનગી ટ્યૂશન ક્લાસમાં ટીચિંગ માટે જતી હતી. સમય જતાં રીના અને મનોજ વચ્ચે આંખ મળી ગઇ હતી.

બંને વચ્ચેનો સબંધ ગાઢ બનતા સાત વર્ષ પહેલા રીના અને મનોજે પ્રેમલગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન જીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. દરમિયાન થોડા સમય બાદ શિક્ષક પતિ મનોજનો સ્વભાવમાં પરિવર્તન આવતા તે સ્કૂલમાં જે રીતે બાળકો સાથે વર્તન કરતો તેવું વર્તન ઘરમાં શરૂ કરી કોઇના કોઇ મુદ્દે પત્ની રીનાને ટોકટોક કરતો હતો. જેને કારણે બંને વચ્ચે તણખા ઝરતા રહેતા હતા. એટલું જ નહીં જ્યારે ઝઘડો થતો ત્યારે મનોજ પત્ની રીનાને સુશિક્ષિત પરિવારને ન શોભે તેવી ગાળો ભાંડી માર મારતો એટલું જ નહીં પુત્રને પણ માર મારતો હતો.

પતિના અચાનક આવા વર્તનથી ડઘાઇ ગયેલી પત્ની રીનાએ તપાસ કરતાં પતિ મનોજને સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી મોટી ઉંમરની વિધવા સાથે આડાસંબંધ હોવાની જાણ થઇ હતી. પતિના આડાસંબંધની જાણ થતાં રીના પુત્રને લઇ માવતરે જતી રહી હતી. બાદમાં પતિ મનોજના ત્રાસ, મારકૂટ અંગે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ સમયે પોલીસે રીના અને મનોજનાં દાંપત્ય જીવનને ફરી પ્રસ્થાપિત કરવા માટે બંનેના નિવેદનો નોંધી સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા.

ત્યારે વિધવાના પ્રેમમાં લટ્ટુ બનેલા મનોજે છૂટાછેડા લેવાની વાત કરતા રીનાએ 35 લાખની માગણી કરતા હાલ આ કિસ્સો વાટાઘાટા પર પહોંચ્યો છે. જો કે, મનોજ રીનાની માગણી પૂરી નહીં કરે તો મામલો કોર્ટમાં પહોંચે તેવા નિર્દેશો સાંપડી રહ્યાં છે. શહેરમાં નજીવા પ્રશ્ને સર્જાતા ઘરકંકાસના બનાવ અટકાવવા માટે સમાજના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓએ કાઉન્સિલીંગ કરી દંપતી વચ્ચેના ઝઘડાના મામલાઓમાં મધ્યસ્થી બની સમાધાનના પ્રયાસો કરવા જરૂરી બની રહ્યા છે. (પાત્રોનાં નામ બદલાવ્યાં છે.)

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App