તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Spite Of Heavy Rain In Gujarat Water Cutting In Rajkot, Light Rain Fall In Saurashtra

ગુજરાત આખું પાણી પાણી રાજકોટમાં પાણીકાપ, સૌરાષ્ટ્રમાં અડધાથી બે ઈંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ આજે બપોર બાદ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.  તેમજ આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ સમગ્ર તંત્રને એલર્ટ કરી દીધું છે. કલેક્ટરે વરસાદની આગાહીના પગલે અધિક કલેકટર, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેકટરો અને મામલતદારો સહિતના અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા સૂચના આપી છે.

 

શહેર પાણી પાણી છતાં, પાણી કાપ 

 

ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં અડધાથી લઈને બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ધીમી ધારે વરસતો વરસાદ ખેડૂતોના ઉભા પાક માટે કાચા સોના સમાન હોવાથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે. રાજકોટમાં ગઈકાલે 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ રાજકોટમાં પાણીકાપ લાદવામાં આવતાં શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. 

 

ભર ચોમાસે રાજકોટમાં પાણીકાપ


હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને વરસાદ પણ વરસી રહ્યો હોવા છતાં રાજકોટગરાઓને પાણી વિના ટળવળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ મહાનગરપાલિકાએ બે દીવસનો પાણીકાપ જાહેર કર્યો છે. 19 ઓગસ્ટના રોજ ન્યારી ફિલ્ટર તથા સોજિત્રાનગર પ્લાન્ટ આધારિત વિસ્તાર વોર્ડ નં. 8,10,11,2 અને 7 તથા 24 ઓગસ્ટના રોજ રૈયાધાર ફિલ્ટર આધારિત ગાંધીગ્રામ તથા 150 ફૂટ વિસ્તાર, ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તાર, મવડી આધારિત વિસ્તાર વોર્ડ નં.11,13,8,10 અને 11 વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. આ પાણી કાપને લઈને મનપાએ સ્કાડા સિસ્ટમની કામગીરી ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.

 


સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ


સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ વરસતા ખુશીની હેલી લોકોમાં છલકાઈ છે. જામનગરથી લઈને ભાવનગર, જૂનાગઢ, જસદણ, વિંછીયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

 


ટ્રેન વ્યવહારને અસર

 

કેરળમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજીની અસર સૌરાષ્ટ્રની ટ્રનોમાં જોવા મળી રહી છે. કેરળમાં સર્જાયેલી પૂર હોનારતને પગલે ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.આ ટ્રેન 17 તારીખના રોજ કેરળના અર્નાકુલમથી ઉપડે છે અને 20 તારીખના રોજ ઓખા પહોંચે છે.