રાજકોટ: 4 ગઠિયાએ કેશિયરની નજર ચૂકવી 9 મિનિટમાં 5 લાખ તફડાવ્યા, CCTV

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરમાં ચોર-ગઠિયાઓ બેફામ બન્યા હોય તેમ શહેરના કાલાવડ રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં ઘૂસી ચાર ગઠિયાઓએ કેશીઅરની નજર ચૂકવી માત્ર 9 મિનિટમાં રૂ.5 લાખની રોકડનું બંડલ ચોરી ચારેય શખ્સો નાસી ગયા હતા. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. 

 

કાલાવડ રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ થયાની પોલીસમાં ફરિયાદ  
 

પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર પંજાબ હોન્ડા સામે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ થયાની બેંકના કર્મચારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવતાં એસીપી હર્ષદ મહેતા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ઘટના ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતા દર્શન રાઠોડની ચેમ્બરમાંથી રૂ.5 લાખના બંડલની ચોરી થઇ હતી. ગુરુવારે સવારે 11.05 મિનિટે ચાર શખ્સો બેંકમાં પ્રવેશ્યા હતા અને કેશિયરની ચેમ્બર પાસે પહોંચ્યા હતા. ત્રણથી ચાર શખ્સો કેશિયર દર્શન રાઠોડ સાથે વાતચીત કરતા હતા, જ્યારે એક શખ્સ કેશિયરની ચેમ્બર તરફ ગયો હતો. કોઇ કામ સબબ કેશિયર દર્શન રાઠોડ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા તે સાથે જ નજીકમાં આંટાફેરા કરી રહેલો ગઠિયો કેશિયરની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો અને રૂ.5 લાખનું બંડલ તફડાવી જતો રહ્યો હતો. લાખોની મતા હાથ આવી જતા ચારેય શખ્સો 9 મિનિટમાં એટલે કે 11.14 મિનિટે બેંકમાંથી જતા રહ્યા હતા. અડઘો કલાક બાદ કેશિયર દર્શન રાઠોડની કાઉન્ટર પર નજર પડતાં રૂ.5 લાખનું બંડલ નજરે પડ્યું નહોતું અને ઘટનાની જાણ થઇ હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

 

આવી રીતે ઓપરેશન પાર પાડ્યું 

 

-સવારે 11.05 મિનિટે ચાર શખ્સો બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસે છે. 
-કેશિયર દર્શન રાઠોડના કાઉન્ટર પાસે જઇ 3-4 શખ્સો કેશિયર સાથે વાર્તાલાપ શરૂ કરે છે. 
-એક ગઠિયો સ્ટાફ જ્યાં બેસે છે તે જગ્યાએથી થઇ કેશિયર રાઠોડની ચેમ્બર નજીક આંટાફેરા શરૂ કરે છે. 
-કેશિયર દર્શન રાઠોડ કોઇ કામ માટે ચેમ્બરની બહાર નીકળે એ સાથે જ આંટા મારી રહેલો ગઠિયો ચેમ્બરમાં ઘૂસે છે. 
-ચેમ્બરમાં કાઉન્ટરમાં રહેલું રૂ.500ના દરનું 100 નોટનું બંડલ ઉઠાવી ચાલતી પકડે છે. 
-5 લાખ હાથ આવતાં 11.14 મિનિટે ગઠિયાઓ બેંક છોડી જતા રહે છે. 

 

5-5 લાખના 2 બંડલ હતા, ગઠિયાએ એક જ ઉપાડ્યું 

 

બેંકમાં બે કેશિયરની બે ચેમ્બર હતી, બીજા નંબરની ચેમ્બરમાં કેશિયર દર્શન રાઠોડ બેઠા હતા, અંદર ઘૂસેલો ગઠિયો 2 નંબરની ચેમ્બરે પહોંચ્યો હતો. દર્શન રાઠોડ ચેમ્બરની બહાર નીકળતાં જ અંદર ઘૂસ્યો હતો અને લોખંડની જાળી પાસે રહેલું કાઉન્ટર ખોલ્યું હતું. કાઉન્ટરમાં રૂ.5-5 લાખના બે બંડલ હતા, જેમાંથી એક બંડલ ઉઠાવી ચાલતી પકડી હતી. તસ્કરની ઉદારીકરણની નીતિથી બીજા રૂ.5 લાખ બચી ગયા હતા. 

 

સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને બેંક સ્ટાફની જાગૃતતાનો ભાંડો ફૂટ્યો 

 

બેંકમાં જ્યાં દરરોજનું લાખો રૂપિયાની લેતીદેતી થાય છે તેવા સ્થળે પણ બેંક દ્વારા સલામતી અંગે પૂરતી જાગૃતતા દાખવવામાં આવી નહીં હોવાનું પણ બહાર આવ્યું હતું. એસીપી મહેતાએ જણાવ્યું હતું કે, કેશિયર દર્શન રાઠોડની ચેમ્બર સુધી ગઠિયો પહોંચ્યો ત્યાં સુધી તેને બેંકના કોઇ કર્મચારી-અધિકારીએ ટપાર્યો નહોતો, એટલું જ નહીં, બાજુની ચેમ્બરનો કેશિયર પોતાની ચેમ્બરમાં હતા ત્યારે દર્શન રાઠોડની ચેમ્બરમાં ઘૂસી ગઠિયો 5 લાખનું બંડલ તફડાવી ગયો છતાં બાજુના કેશિયરની નજર પડી નહી અથવા તેણે દરકાર કરી નહી. બેંકમાં પૂરતો સિક્યુરિટી સ્ટાફ નહીં હોવાનું બહાર આવ્યું હતું તેમજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ યોગ્ય રિઝોલ્યુશન નહીં હોવાથી ગઠિયાઓના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા. આમ સમગ્ર ઘટનામાં બેંકના સત્તાધીશોની લાપરવાહી પણ કારણભૂત હોવાનું પોલીસબેડામાં ચર્ચાતું હતું. 


વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..........

અન્ય સમાચારો પણ છે...