તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં એક દી'માં સ્વાઈન ફ્લૂથી 4નાં મોત, મનપાએ વિગતો છુપાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂને કારણે અત્યાર સુધીમાં 13 મોત નીપજ્યાં હતા, પણ રાજકોટ શહેરમાં એકપણ મોત નોંધાયું ન હતું પણ શુક્રવારે રાજકોટ શહેરમાં એકસાથે 4 મોત નીપજતાં સ્વાઈન ફ્લૂનો કહેર માથું ઊંચકી રહ્યો હોવાનું સાબિત થયું છે. આમ છતાં લોકોને આંક જાહેર કરવાને બદલે મહાનગરપાલિકાએ સ્વાઈન ફ્લૂનાં મોતનો આંક છુપાવી સત્યને દબાવવા પ્રયાસ કર્યો હતો. પણ, દિવ્ય ભાસ્કરે 38 દિવસના તમામ રિપોર્ટનો અભ્યાસ કરતા ભાંડો ફૂટ્યો છે. 

 

રિપોર્ટના અભ્યાસ બાદ મનપાનું આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગને પ્રશ્ન કરાયો હતો. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં 4 મોત થયા છે જ્યારે મનપાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક માસમાં એક પણ મોત નીપજ્યું નથી. સ્વાઈન ફ્લૂનાં મોત અંગે રેકોર્ડ રાખવાની જવાબદારી જિલ્લા આરોગ્ય તંત્રની છે માટે મનપાએ મોત અંગે ના પાડતા આરોગ્ય તંત્રની ટીમને રાત્રે જાણ કરાઈ હતી.

 

જિલ્લા અારોગ્યની ટીમે રાતના સમયે મનપાના રોગ નિયંત્રણ વિભાગમાં ફોન કરીને તમામના સરનામા અને મોતનો સમય લઇને આપ્યો હતો. જે સાબિત કરે છે કે મનપાને ખ્યાલ જ હતો કે મોત થયા છે પણ તેને જાહેર કરાયા નથી. મનપા જ નહીં જિલ્લા આરોગ્ય તંત્રે પણ રિપોર્ટ આપવામાં શંકાસ્પદ ભૂમિકા ભજવી છે.  શુક્રવારે રાજકોટ ગ્રામ્યમાં એક મોત થયું તે જાહેર થયું નથી માત્ર ગીર-સોમનાથનાં મોતની વિગતો આપી હતી. શનિવારે કોઇ રિપોર્ટ જાહેર ન થયો અને  રવિવારના રિપોર્ટમાં આંક મુકાઇ જતા અેક જ દિવસનો મૃતક આંક 6 થયો છે, તેમજ શનિવાર અને રવિવારે 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં શહેરના 4, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 2 કેસ છે.

 

સ્વાઈન ફ્લૂનાં મોત છુપાવવા માટે કલેક્ટર સહિત ઉચ્ચ 6 અધિકારીઓ જવાબદાર

 

સિઝનલ અેટલે કે સ્વાઈન ફ્લૂની અપડેટ લોકો સુધી પહોંચે તે માટે વોટ્સએપમાં ખાસ એચ1એન1 ગ્રૂપ બનાવાયું છે. આ ગ્રૂપમાં માત્ર એડમિન સિવાઇ કોઇ પોસ્ટ મૂકી ન શકે. ગ્રૂપના એડમિન રાજકોટના 6 ઉચ્ચ અધિકારીઓ છે. જેમાં જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયા, અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. મિતેશકુમાર ભંડેરી, સૌરાષ્ટ્ર ઝોનના આરોગ્ય નિયામક ડો. રૂપાલી મહેતા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષ મહેતા અને જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે.

 

દરરોજ ગ્રૂપમાં આરોગ્ય વિભાગ અપડેટ આપે છે, પણ કલેક્ટર અને ડીડીઓ સહિત એકપણ અધિકારીએ તેમાં તસ્દી લીધી જ ન હતી. શનિવારે રિપોર્ટ ન મુકાતા કોઇએ પ્રશ્ન ન કર્યો કે આખા સૌરાષ્ટ્રમાં એક પણ કેસ નથી આવ્યા, રવિવારે રિપોર્ટ આવ્યો તો પણ આંકડામાં તફાવત સ્પષ્ટ હોવા છતાં મોત ક્યારે ન ક્યાં થતા તે ન પૂછ્યું. જે સાબિત કરે છે કે સ્વાઈન ફ્લૂ જેવા અગત્યના રિપોર્ટમાં કલેક્ટર, ડીડીઓ અને આરોગ્ય નિયામક જેવા ઉચ્ચ અધિકારીઓ તસ્દી જ લેતા નથી.  જેથી એક જ દિવસમાં 4 મોતની ઘટના દબાવી દેવામાં સફળતા મળી હતી.

 

શુક્રવારે મોત પામનારની ટૂંકી વિગત અને મોતનો સમય

 

 

વિગતસરનામુંહોસ્પિટલસમય
60 વર્ષ પુરુષપંચનાથ સોસાયટી-1ગિરિરાજહોસ્પિટલરાત્રે 10.35
72 વર્ષ પુરુષસુભાષનગર, આમ્રપાલીઓલમ્પસ હોસ્પિટલબપોરે 03:05
38 વર્ષ મહિલાજસરાજ-4, મવડી ચોકડીઓલમ્પસ હોસ્પિટલબપોરે 12.20
51 વર્ષ મહિલાબાલક્રિષ્ના પાર્ક, ગાંધીગ્રામજીનેસીસ હોસ્પિટલસવારે 10.35