ખરાબ હવામાનથી મુંબઈ-રાજકોટની ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: વરસાદ કે ખરાબ હવામાનને કારણે હવાઈ સેવાના ટાઈમટેબલ ખોરવાઈ જતા હોવાનું સામાન્ય બન્યું છે, પરંતુ ગુરુવારે બપોરે મુંબઈથી રાજકોટ આવતી જેટ એરવેઝની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઇ શકી ન હતી અને એરપોર્ટને ફરતે ચક્કર લગાવ્યા બાદ આખરે આ ફ્લાઈટને અમદાવાદ ડાઇવર્ટ કરવાની ફરજ પડતા યાત્રિકોમાં દેકારો મચી ગયો હતો. અમદાવાદ એરપોર્ટ પર પણ સતત ત્રણ કલાકથી વધુ સમય ફ્લાઈટ રોકી રાખવામાં આવતા અને યાત્રિકોને ફ્લાઈટમાંથી બહાર નહીં નીકળવા દેવાતા ફ્લાઈટમાં રહેલા એરહોસ્ટેસ પાઇલટ સાથે પણ યાત્રિકોએ માથાકૂટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

 

હવામાન સાફ થતા આખરે આ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર સાંજે 7.30 કલાકે ચાર કલાક મોડી લેન્ડ થઇ હતી. જેટ એરવેઝની મુંબઈ-રાજકોટની ફ્લાઈટ સામાન્ય દિવસોમાં બપોરે 3.25 કલાકે આવે છે, પરંતુ ગુરુવારે ખરાબ હવામાનને કારણે અમદાવાદ ડાઇવર્ટ થઇને 4 કલાક મોડી આવતા રાજકોટ આવનારા અને રાજકોટથી મુંબઈ જનારા યાત્રિકોએ સતત ચાર કલાક રાહ જોવી પડતા હંગામો મચાવી દીધો હતો.

 

અમદાવાદમાં યાત્રિકોને ઉતરવા ન દેવાયા


રાજકોટમાં ખરાબ હવામાનને કારણે જેટની ફ્લાઈટ લેન્ડિંગ નહીં થઇ શકતા અમદાવાદ ડાઇવર્ટ કરવી પડી હતી, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર આ ફ્લાઈટના યાત્રિકોને કલાકો સુધી નીચે નહીં ઉતરવા દેવાતા મુસાફરોએ હંગામો મચાવી દીધો હતો. ફ્લાઈટના સ્ટાફ સાથે બોલાચાલી પણ થઇ હતી.

 

મુંબઈ જતી ફ્લાઈટ પણ 4 કલાક મોડી ઉપડી

 

મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે અમદાવાદ ડાઇવર્ટ કરાયા બાદ ફરી રાજકોટ એરપોર્ટ પર આ ફ્લાઈટ બપોરે 3.25 કલાકને બદલે સાંજે 7.30 કલાકે આવી હતી. જેના કારણે બપોરની ફ્લાઈટમાં મુંબઈ જતા યાત્રિકોને સાંજે 7.30 કલાકે જવું પડ્યું હતું. આ ફ્લાઈટના કેટલાક યાત્રિકોએ ટિકિટ રદ કર્યાનું પણ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...