કોમ્પ્લેક્સના લેડીઝ ટોઇલેટમાં યુગલ ઘૂસ્યું, ચોકીદારે પડકારતા ચાર શખ્સોનો હિચકારો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના જાસલ બિલ્ડિંગના ત્રીજા માળે લેડીઝ ટોઇલેટમાં યુગલ ઘૂસ્યા બાદ તેને ટપારતાં યુવક અને તેના સાથીદારોએ ચોકીદાર સહિત બે પર હિચકારો હુમલો કર્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જાસલ બિલ્ડિંગમાં સોમવારે સાંજે સાતેક વાગ્યે એક યુવક અને યુવતી પ્રવેશ્યા હતા અને ત્રીજામાળે પહોંચ્યા હતા, જોકે ત્યારબાદ બંને લેડીઝ ટોઇલેટમાં ઘૂસ્યા હતા. યુવક-યુવતીના પ્રવેશની સાથે જ તેની શંકાસ્પદ હિલચાલ ચોકીદાર મુકેશ પરમારને નજરે ચડી હતી આ ઉપરાંત સાઇટ ઓફિસમાં ફરજ બજાવતાં તુષારભાઇ જોષી પણ સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા હોઇ તેમનું ધ્યાન પણ યુગલ પર પડ્યું હતું.


યુવક યુવતી સાથે લેડીઝ ટોઇલેટમાં જતાં મુકેશ પરમાર અને તુષારભાઇ જોષી ટોઇલેટે પહોંચ્યા હતા અને બારણું ખટખટાવી બહાર આવવા તાકીદ કરી હતી, જોકે તેની કોઇ અસર થઇ નહોતી અને અડધો કલાક બાદ બંને બહાર આવ્યા હતા. લેડીઝ ટોઇલેટમાંથી ઇન્દ્રજિત પઢિયાર અને ફાલ્ગુની સોલંકી નામની યુવતી બહાર નીકળતાં બંનેને દબોચી લેવાયા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર લઇ અવાતા હતા ત્યારે ઇન્દ્રજીતે ફોન કરતાં તેના ત્રણ સાગરીતો અજય ભરવાડ, મનીષ ભરવાડ અને હરદેવ પઢિયાર ધસી આવ્યા હતા અને કોમ્પ્લેક્સના કર્મચારી મુકેશ પરમાર તથા તુષાર જોષી પર તૂટી પડ્યા હતા.

 

હુમલામાં ચોકીદાર મુકેશ પરમારને હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે મુકેશ પરમારને પણ મૂંઢ માર લાગ્યો હતો. હુમલો કરી યુવતી સહિતના તમામ નાસી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બનાવ અંગે જાણ કરાતાં ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલ આવેલા હોઇ કોમ્પ્લેક્સમાં ઐયાશી અને ગેરકાનૂની કૃત્ય કરવા આવતા તત્ત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માગ ઊઠી હતી.