મગફળી કૌભાંડના આરોપી મગનના ગામેથી મળ્યા બળેલા કોથળા, રાજકોટ યાર્ડના? તપાસનો ધમધમાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: પેઢલા ગામે ગોડાઉનમાં 31000 મગફળીની ગુણીમાં ધૂળ અને માટીના ઢેફાની ભેળસેળના કૌભાંડના મુખ્ય આરોપી મગન ઝાલાવડિયાના ઘરે પોલીસ ગઇકાલે સોમવારે દરોડા પાડ્યા હતા. મગનના ગામ તરઘડીમાં કોઇની જમીન પર બળેલા કોથળાનો જથ્થો મળી આવતા આ જથ્થો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં સળગેલા કોથળાનો જથ્થો છે કે અન્ય, જે જમીન પર જથ્થો મળી આવ્યો છે તે જમીન કોની છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પેઢલા બાદ રાજકોટ યાર્ડમાં બળેલા બારદાનના જથ્થામાં પણ મગન શંકાના દાયરામાં હોવાનું એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું. 

 

મગફળી કૌભાંડમાં 22 આરોપી બાદ વધુ પાંચની ધરપકડ

 

જામનગર રોડ પર ગેરકાયદેસર જમીન પર મગને હોટલનું બાંધકામ કર્યું હોવાના આક્ષેપ પર જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ કર્યા છે. ગઇકાલે મગનના ઘરે દરોડો પાડી પોલીસે જરૂરી દસ્તાવેજો કબ્જે કર્યા હતા. અગાઉ 22 આરોપી બાદ પોલીસ વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે. જેમાં ગિગનભાઇ મેરામભાઇ ચુડાસમા (નાની ધણેજ), માનસિંહ પોપટભાઇ લાખાણી (લાઠોદરા), દેવદાનભાઇ માંગાભાઇ જેઠવા (મોટી ધણેજ), ધીરૂભાઇ કાળાભાઇ જેઠવા (મોટી ધણેજ) અને હમીરભાઇ બાવાભાઇ જેઠવા ( મોટી ધણેજ)નો સમાવેશ થાય છે. ગઇકાલે મગન અને માનસિંગ વચ્ચે થયેલી વાતચીતની ત્રણ ઓડિયોક્લિપ વાયરલ થઇ હતી. જેને લઇને પોલીસે માનસિંગની પણ ધરપકડ કરી છે. 

 

સોમાના પ્રમુખે વેપારીઓને મગફળી આપવા નાફેડને લખ્યો પત્ર

 

જેતપુરના પેઢલાના ગોડાઉનમાં મગફળીકાંડને લઇને સોમાના પ્રમુખ સમીર શાહે નાફેડમાં પત્ર લખ્યો છે. તેણે પત્રમાં જણાવ્યું છે કે, પેઢલાના ગોડાઉનમાંથી જે વેપારીઓએ મગફળી ખરીદી છે તેમને અન્ય ગોડાઉનમાંથી મગફળી આપો. વેપારીઓએ પૈસા આપ્યા બાદ પણ કૌભાંડને કારણે મગફળી મળી નથી. વેપારીઓને પેઢલાના ગોડાઉનને બદલે અન્ય ગોડાઉનમાંથી મગફળી આપવા રજૂઆત કરી છે. 

 

મગફળી કૌભાંડ: મગનના ઘરે દરોડા, વધુ 5ની ધરપકડ બાદ સોનું અને દસ્તાવેજો જપ્ત