રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં પિલર પર બનશે બ્રિજ, જે 712 મીટર લાંબો હશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરના સૌથી ટ્રાફિકથી ધમધમતા હોસ્પિટલ ચોક પર ઓવરબ્રિજ બનાવવા માટે એજન્સી પાસેથી ડિઝાઇન મગાવવામાં આવી હતી. એજન્સીએ તૈયાર કરેલી ડિઝાઇનમાં આ બ્રિજ સિંગલ પિલર પર ઊભો કરાશે અને ત્રણ રોડ કૈસરે હિન્દ પુલ સાઇડ આઈપી મિશન સ્કૂલથી 389 મીટર, જામનગર રોડ સિવિલ હોસ્પિટલના બીજા દરવાજા સુધી 328 મીટર અને જવાહર રોડ પર હોટેલ ઠાકર સુધી 323 મીટર લંબાઇનો હશે. જે 27 મીટર ઊંચો અને 30 મીટર પહોળો હશે. આ બ્રિજની નીચે હાલ જેમ વાહનો આવન જાવન કરે છે તેમ જ કરતા રહેશે. જેમને સિવિલ હોસ્પિટલ, કોર્ટ, કોઠી કમ્પાઉન્ડ, એસબીઆઇ બેંકમાં જવું હશે તો સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડશે. એજન્સીએ ત્રણ ડિઝાઇન અધિકારી, પદાધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. 


રૈયારોડ પરના આમ્રપાલી ફાટકે બ્રિજ બનાવવા માટે દિવ્ય ભાસ્કરે શરૂ કરેલા અભિયાન બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ત્યાં બ્રિજ બનાવવા સહમત થયા હતા. અહીં અંદાજે 21 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનશે. અંડરબ્રિજની ડિઝાઇન ફાઇનલ થઇ ગઇ છે અને રેલવેની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. હોસ્પિટલ ચોકના બ્રિજની સાથે આમ્રપાલી બ્રિજનું પણ દિવાળી પહેલા ટેન્ડર બહાર પડશે.