રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના બળવાખોરોનો વિજય થયો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં ન આવી હતી અને સમિતિ પર માત્ર કબજો રહેશે. પક્ષ પલ્ટાની વાત હવામાં ઓગળી ગઇ હતી. સામાન્ય સભા પૂર્વે ભાજપના કાર્યકર્તાને જિલ્લા પંચાયત બહાર હાર્ટ અટેક આવતા બેભાન થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હોય ભાજપ અને કોંગ્રેસના સભ્યો સહિત કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા. પરંતુ ભાજપના કાર્યકર્તા રમેશભાઇ તાળાને જિલ્લા પંચાયત બહાર અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા. બાદમાં અન્ય કાર્યકર્તાઓ એકત્ર થઇ ગયા હતા અને તેને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હાર્ટ એટેકને કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
જિલ્લા પંચાયતની છ સમિતિઓમાં બાગી કોંગી સભ્યોનો વિજય થયો
રાજકોટ જિલ્લા પંચાયતમાં અલગ અલગ છ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રસ્તાવ સામે બાગી કોંગી સભ્યો દ્વારા પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. દરેક છ સમિતિમાં કોંગ્રેસને 13 મત અને બાગી કોંગીના પ્રસ્તાવને 22 મત મળ્યા હતા. જિલ્લા પંચાયતની છ સમિતિઓમાં બાગી કોંગી સભ્યોનો વિજય થયો હતો. સમિતિઓ માટે બે પ્રસ્તાવ હોવાથી મતદાન કરવામાં આવ્યું હતું. એક સભ્ય વાલીબેન તલાવડીયાની તબિયત નાંદુસ્ત હોવાથી તેમનો મત રદ કરાયો હતો. વાલીબેન તલાવડીયા હાલ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન છે.
6 સમિતિની રચના કરાઇ
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 6 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્ય્ય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ અને અપીલ સમિતિનો સમાવેશ થાય છે. દરેક સમિતિમાં બે બે નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત તોડવાની જવાબદારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને અપાઇ હતી. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, 21 સભ્યો અમારી સાથે છે જે કોંગ્રેસથી નારાજ છે. અવિશ્વાસની દરખાસ્ત આજે નહીં મુકવામાં આવે. કોંગ્રેસ સભ્યોને સાચવી શક્યું નહીં. કાયદાકીય લડત પૂરી થશે પછી અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવશે. સોમવારે કોંગ્રસના 24 સભ્યોમે ભાજપે રાજસ્થાન મોકલ્યા હતા તેવું બહાર આવ્યું હતું પરંતુ આ 24 સભ્યોને ગોંડલના એક ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યા હતા અને આજે સવારે તમામને સામાન્ય સભામાં હાજર રહેવા ગોંડલથી રાજકોટ લાવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યો હતા. જેમાં કોગ્રેસના 34માં બે બળવાખોરોને સસ્પેન્ડ કરાયા હતા. આથી 32 સભ્યો વધ્યા હતા. 32માંથી 22 સભ્યોએ બળવો કર્યો છે. જિલ્લા પંચાયત બાદ ચાર તાલુકા કબ્જે કરવાની વાત ભાજપે કરી હતી.
પક્ષ વિરૂદ્ધ જનાર સભ્યો સામે પક્ષાંતરનો ધારો લગાવી કાર્યવાહી કરાશે
રાજકોટ જિલ્લા પંચાયતમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે આપેલ મેન્ડેટની વિરૂદ્ધ અન્ય પક્ષમાં જનાર સભ્યો સામે પક્ષાંતરનો ધારો લગાવી કાર્યવાહી કરવામાં આવશે. પક્ષાંતર ધારો લાગે તો જે સભ્યો ભાજપમાં ગયા છે તેના સભ્યપદ રદ થઇ શકે. એટલે રાજકોટ જિલ્લા પંચાયતમાં 13 સભ્યો કોંગ્રેસના અને 2 સભ્યો ભાજપના રહેશે. આથી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન રહેશે પરંતુ પ્રમુખનો દબદબો ઓછો થઇ જશે.
કારોબારી ચેરમેને સમિતિના સભ્યોની દરખાસ્ત મુકતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયાએ સમિતિના સભ્યોની દરખાસ્ત મુકતા કોંગ્રેસના જ સભ્યોએ વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના બાગી નિલેશ વિરાણીએ પોતાના સભ્યોના નામો જાહેર કર્યા હતા. અર્જુન ખાટરીયાના પ્રસ્તાવમાં 13 મત અને નિલેશભાઇની તરફેણમાં 22 મત પડ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયત તોડવાનો તખ્તો તૈયાર, CM પોતે કરે છે મોનિટરિંગ
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.............
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.