રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટની ભાગોળે સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો. રવિવારે બેટી પુલ પરથી યુટિલિટી પલટી જતાં ચારનાં મોત નીપજ્યા હતા અને 15ને ઇજા થઇ હતી ત્યાં સોમવારે સાંજે માલિયાસણ પાસે રેતી ભરેલું ડમ્પર પલટી જતાં રસ્તો ઓળંગી રહેલા 23 ઘેટાં-બકરાનાં મોત થયા હતા. બનાવથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ હતી. રાજકોટની ભાગોળે આવેલા માલિયાસણમાં રહેતા રાઘવભાઇ ભરવાડ સોમવારે સવારે તેમના ઘેટાં-બકરાંને ચરાવવા નીકળ્યા હતા અને સાંજે પશુઓને લઇ પરત જવા નીકળ્યા હતા. રાઘવભાઇ અને પશુઓ માલિયાસણ પાસે પહોંચ્યા હતા. પશુઓ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અચાનક જ પૂરપાટ ઝડપે રેતી ભરેલું ડમ્પર ધસી આવ્યું હતું. ડમ્પરના ચાલકે કોઇ કારણસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પશુઓને ઠોકરે લઇ ડમ્પર ગોથું ખાઇ ગયું હતું.
એક સાથે ત્રેવીસ પશુનાં મોતથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ
ડમ્પરની નીચે અનેક ઘેટાં-બકરાં દબાઇ ગયા હતા. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. રસ્તા પર જ ડમ્પર પલટી જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના જમાદાર ફતેસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ટોળે વળેલા લોકોએ જેસીબીની મદદથી ડમ્પર ઊંચકાવતા પશુઅો કચડાયેલી હાલતમાં મળી આવ્યા હતા. અકસ્માતમાં 4 ઘેટાં અને 19 બકરાં સહિત 23 પશુનાં મોત નીપજ્યા હતા. એક સાથે ત્રેવીસ પશુનાં મોતથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ હતી. અકસ્માતને પગલે દોઢ કલાક સુધી કુવાડવા રોડ પર બે કિ.મી. સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા.
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.