• Gujarati News
  • National
  • After 8 Years Of Marriage, The Doctor Said To The Wife, 'If I Had To Marry A Modern Girl'

લગ્નના 8 વર્ષ પછી ડૉક્ટર પતિ એ પત્નીને કહ્યું ‘મારે તો મોર્ડન છોકરી સાથે પરણવું હતું’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ  પતિ સહિતના સાસરિયાઓ દ્વારા પુત્રવધૂ પર યેનેકેન પ્રકારે અત્યાચાર ગુજારવાના બનાવો રોજિંદા બની ગયા છે. ત્યારે વધુ એક બનાવમાં અમદાવાદ સ્થિત સુશિક્ષિત પરિવાર સામે રાજકોટની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ રાજકોટના માધાપર ચોકડી પાસે કિલોલ મધુવન પાર્કમાં માતા-પિતા સાથે રહેતી ડેન્ટિસ્ટ કૃપા તંબોલિયા નામની પરિણીતાએ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારનાં શિવકુંજ સોસાયટીમાં રહેતા તબીબ પતિ ગૌતમ, સસરા હરિશભાઇ મફતલાલ તંબોલિયા, સાસુ પુષ્પાબેન અને નંણદ મનીષા અશોકભાઇ જાદવ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

અમદાવાદ સ્થિત તબીબ પતિ, સાસુ-સસરા અને નણંદની ધરપકડ કરવા પોલીસની તજવીજ


પોલીસ ફરિયાદ મુજબ, કૃપાબેન દાંતના ડોક્ટર છે. તેના લગ્ન આઠ વર્ષ પહેલા અમદાવાદના તબીબ ગૌતમ સાથે આઠ વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ કરિયાવર મુદ્દે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પતિને પણ ચડામણી કરી પોતાના પર ત્રાસ ગુજારાવતા હતા. જેને કારણે બે વખત તે રિસામણે પણ આવી ગઇ હતી, પરંતુ પતિ ગૌતમ સમજાવીને પરત લઇ જતો હતો. લગ્ન જીવન દરમિયાન દીકરીનો જન્મ થયો હતો.

 


જે સાસુ-સસરા અને નણંદને ગમ્યું ન હતું. જેથી પતિને ચડામણી કરતાં પતિ ગૌતમે મારે તો ક્રિકેટ ગમતું હોય તેવી મોડર્ન ટાઇપની છોકરી જોઇતી હતી, તું તો ઝીરો છે, તેવા મેણાંટોણાં મારી પોતાને તેમજ દીકરીની ટિકિટ કઢાવી રાજકોટ મોકલી આપી હતી. મહિલા પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદ સ્થિત પતિ સહિતના સાસરિયાઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.