પ્રતિકાત્મક તસવીર
રાજકોટ: જીવનનગરમાં રહેતા ધર્મેશ પ્રવીણભાઇ પરમાર નામના યુવાનને આઠ શખ્સો દ્વારા બોલેરોમાં અપહરણ કરી લઇ જઇ ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દેવુભા ગોહિલ અને તેની સાથેના સાત શખ્સો તેમજ બોલેરો વાહનના નંબર યુવાને પોલીસને આપતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપીની પત્નીના મોબાઇલમાં યુવાન મેસેજ કરતો હોવાનો ખાર રાખી આરોપીઓએ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બળજબરીથી બોલેરોમાં બેસાડી અપહરણ કરી માર માર્યો
જીવનનગરમાં રહેતા અને તિરૂપતિનગર-4માં મોબાઇલ રિપેરિંગ તેમજ રિચાર્જનું કામ કરતાં ધર્મેશે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ધંધાની સાથે મોબાઇલ કંપનીમાં સેલ્સમેન તરીકે પણ કામ કરે છે. બુધવારે સાંજે મોબાઇલ કંપનીની ઓફિસમાં હતો. ત્યારે શેઠે ફોન કરી તારા ફોન પર કોઇ તારું સરનામું પૂછી ગાળો ભાંડે છે. જેથી પોતે તાત્કાલિક દુકાને પહોંચ્યો હતો. આ સમયે ફરી ફોન આવતાં ફોન કરનારે તુરંત ગાળો ભાંડી હનુમાનમઢી ચોકમાં બોલાવ્યો હતો. જેથી તે મિત્ર સાથે બાઇક પર હનુમાનમઢી પહોંચ્યો હતો.
હનુમાનમઢી પહોંચતાં જ ત્યાં ઊભેલા એક શખ્સે તેને બોલાવ્યો હતો. ત્યાં જતાની સાથે જ બળજબરીથી બોલેરોમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. આ સમયે બોલેરોમાં રહેલા એક શખ્સે તેનું નામ દેવુભા ગોહિલ કહ્યું હતું. તેને મને કહ્યું કે, તું મારી ઘરવાળીને મોબાઇલમાં કેમ મેસેજ કરે છે. તેમ કહી ચાલુ વાહને માર મારવાનું શરૂ કર્યું હતું. પોતે મેસેજ નહીં કરતો હોવાનું જણાવવા છતાં માર મારવાનું ચાલુ રાખ્યું હતું અને સાચું બોલી જા, અમારી વાત માની જા નહીંતર વાડીએ લઇ જઇ માર મારવાની ધમકી આપી હતી.
ત્યાર બાદ બોલેરો યુનિવર્સિટીના ગેટ પાસે પહોંચતા ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી બોલેરોમાંથી નીચે ઉતારી નાસી છૂટ્યા હતા. બનાવ બાદ તુરંત શેઠને ફોન કરી વાત કરી હતી. જેથી તેમણે પોલીસમાં જાણ કરવાનું કહેતા ધર્મેશ પોલીસમથક પહોંચ્યો હતો અને બોલેરોમાં આવેલા દેવુભા ગોહિલ અને 7 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછમાં પોતે મેસેજ ન કર્યાનું અને કોઇ ગેરસમજ થઇ હોવાનું કહ્યું હતું. આરોપીઓ પકડાયા બાદ બનાવનું સત્ય કારણ બહાર આવશે.
ગેંગ રેપનો ભોગ બનેલી સેટેલાઈટની 22 વર્ષની યુવતીની અક્ષરશ: FIR
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.