રેશનકાર્ડ સાથે 28000 પરિવારોએ હજુ સુધી આધાર લિંક કરાવ્યું નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંકઅપ કરવાની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. આમ છતાં રાજકોટ શહેર જિલ્લામાં હજુ 28 હજાર જેટલા પરિવારોના રેશનકાર્ડ સાથે આધાર લિંકઅપ કરવાની કામગીરી કરી નથી. જે પરિવારોએ આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લિંકઅપની કામગીરી નથી કરી તેમને એપ્રિલ માસથી મળતો અનાજનો પુરવઠો બંધ થઇ શકે છે. જો કે, હજુ આ અંગે કોઇ સત્તાવાર પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડ્યો નથી.


રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી યોગેશ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર જિલ્લામાં અંદાજે 3.14 લાખ રેશનકાર્ડ ધારકો છે. આ કાર્ડ ધારકોમાંથી 91 ટકા પરિવારોએ આધારકાર્ડ સાથે રેશનકાર્ડ લિંકઅપ કરાવ્યું છે. બાકી રહી ગયેલા અંદાજે 28 હજાર જેટલા પરિવારોએ રેશનકાર્ડ લિંકઅપ કરાવ્યું નથી. આ પરિવારો વહેલી તકે આધારકાર્ડ લિંકઅપ કરાવે તે જરૂરી છે. ઝોન ઓફિસ અને મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ લિંકઅપ કરાવી શકે છે. જે લોકોએ લિંકઅપ કરાવ્યું નથી તેમને એપ્રિલ માસથી અનાજ ન આપવું તેવો કોઇ રાજ્ય સરકાર તરફથી પરિપત્ર નથી.

 

રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડ આધારકાર્ડ સાથેના લિંકઅપમાં 91 ટકા કામગીરી પૂરી થઇ ગઇ છે, પરંતુ વેરિફિકેશનની કામગીરી હજુ માત્ર 50 ટકા જ થઇ છે. લિંકઅપ કામગીરી જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું તે એજન્સીએ વેરિફાઇની કામગીરી પૂરી નહીં કરી હોવાથી શનિવારે રજાના દિવસે પણ પુરવઠા વિભાગના સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યો હતો.

 

કેવી રીતે લિંક કરાવવું


રેશનકાર્ડ સાથે આધારકાર્ડની ઝેરેાક્ષ લઇ ઝોન ઓફિસ અથવા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ જવાનું રહેશે. આધારકાર્ડ નંબર અને ફિંગર પ્રિન્ટના આધારે પરિવારના સભ્યોની લિંક રેશનકાર્ડ સાથે થઇ જશે. મામલતદાર કચેરી ખાતે એજન્સીના માણસો રાખવામાં આવ્યા છે.

 

જો આધાર કાર્ડ ન હોય તો શું કરવું

 

જે પરિવારના સભ્યો પાસે આધારકાર્ડ નથી તેમણે પણ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ જઇ પોતાનું આધારકાર્ડ કઢાવવાની પ્રક્રીયા કરવાની રહેશે. આધારકાર્ડ કાઢ્યાની રિસિપ્ટના આધારે રેશનકાર્ડ સાથે લિંકઅપ કરી આપવામાં આવશે. રિસિપ્ટમાં આવેલા નંબરના આધારે આ કામગીરી થઇ શકે છે.

 

અન્ય સમાચારો પણ છે...