રાજકોટ: શહેરમાં મહાનગરપાલિકાએ પાંચ સ્થળો પર બગીચા અને માર્કેટમાંથી નીકળતા ઓર્ગેનિક વેસ્ટના પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કર્યા છે, તેમજ શહેરની મોટી હોટેલ કે જ્યાં દૈનિક 100 કિલોથી વધુ ઓર્ગેનિક વેસ્ટ નીકળે છે ત્યાં મોબીટ્રેસ વાહન જઇ વેસ્ટને પ્રોસેસ કરે છે અને તેમાંથી ખાતર બને છે. શહેરમાં આ રીતે દૈનિક 10 ટનથી વધુ ખાતર બનાવવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ 80 ફૂટ રોડ પર, જ્યુબિલી ગાર્ડનમાં 5 ટન અને એક 200 કિલો એમ બે, રૈયા ગાર્બેજ સ્ટેશન પર 5 ટન, રેસકોર્સ ગાર્ડનમાં 400 કિલો, 80 ફૂટ રોડ અમૂલ સર્કલ પાસે 5 ટનની ક્ષમતાના પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત શહેરની મોટી હોોલો કે જ્યાં દૈનિક 100 કિલોથી વધુ ઓર્ગેનિક વેસ્ટ નીકળે તે હોટેલમાં જ કચરાનું પ્રોસેસિંગ થાય અને તેનું ખાતર બને તે હેતુથી મોબીટ્રેસ વાહન રાખવામાં આવ્યું છે. મનપા આ વાહન કોઇ પણ ચાર્જ લીધા વગર શહેરની 9 હોટેલોમાં મોકલે છે. આ વાહન કચરાનું પ્રોસેસ કરે અને તે કચરો પરત હોટેલ સંચાલકોને આપે છે. જે બાદમાં ખાતર બની જાય છે. આ પ્રકારે શહેરમાં દૈનિક 10 ટનથી વધુ ખાતર બની રહ્યું છે. જ્યુબિલી શાકમાર્કેટ તથા અન્ય ગાર્ડનમાંથી નીકળતા કચરાનો સ્થાનિક સ્તર પર જ નિકાલ થાય અને તેનું ખાતર બની ફરી ત્યાં જ ઉપયોગ થઇ રહ્યું છે.
હોટેલ સંચાલકોને ખાતર ખરીદીમાંથી મુક્તિ મળી
મોબીટ્રેસ ગાડીમાં જ્યારે હોટેલ સંચાલક પોતાનો ઓર્ગેનિક વેસ્ટ આપે ત્યારે તે પ્રોસેસ કરવામાં આવે છે. મોબીટ્રેસમાં બેક્ટેરિયા પાઉડર નાખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય પાઉડર પણ નાખવામાં આવે છે જેથી વાસ ન આવે. તમામ પ્રોસેસ મોબીટ્રેસમાં થયા બાદ તે વેસ્ટ હોટેલ સંચાલકને પરત આપવામાં આવે છેે. હોટેલ સંચાલક તે વેસ્ટ પ્લાસ્ટિકની બેગમાં રાખે છે અને 10-12 દિવસ સતત તેમાં પાણીનો છંટકાવ કર્યા બાદ તે ખાતર બને છે. આ ખાતર હોટેલ સંચાલકો પોતાને ત્યાં રહેલા ગાર્ડનમાં ઉપયોગ કરે છે.- નિલેશ પરમાર, પર્યાવરણ ઇજનેર મનપા
600 ટન કચરો પ્રોસેસ કરતો પ્લાન્ટ ઊભો કરાશે
હોટેલમાંથી નીળકતા ઓર્ગેનિક વેસ્ટ માટે એક મોબીટ્રેસ ગાડી રાખવામાં આવી છે. જે હોટેલ ખાતે જઇ વેસ્ટને પ્રાસેસ કરે છે. શહેરમાં અલગ અલગ 15 સ્થળો પર પાંચ પાંચ ટનની ક્ષમતાના પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરવા માટે મંજૂરી મળી ગઇ હોવાથી આ કામ આગળ વધશે. શહેરના તમામ વોર્ડમાં એક એક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન છે. પ્રથમ ચરણમાં 6 સ્થળો પર પ્લાન્ટ ઊભા થશે ત્યાર બાદ ક્રમશ: અન્ય નવ પ્લાન્ટ ઊભા કરાશે. એક પ્લાન્ટ ઊભો કરવાનો ખર્ચ 1.40 કરોડ રૂપિયા થાય છે. - અંબેશ દવે, અધિકારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.