રાજકોટ : 500 બાળકોને દર રવિવારે ભાવતા ભોજનિયાની મોજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટની ભાગોળે રૈયાધાર ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારના 500 જેટલા બાળકોને દર રવિવારે ભાવતા ભોજનિયાની સાથે સંસ્કાર સિંચનનો અનોખો સેવાયજ્ઞ અમુક મૂક સેવાભાવીઓએ શરૂ કર્યો છે અને તેમના આ સેવાકાર્યથી પ્રેેરિત થઇને કોલજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાયા છે અને પોતાના ખિસ્સાખર્ચના નાણાંમાંથી બચત કરી યથાયોગ્ય મદદ કરવા ઉપરાંત દર અઠવાડિયે ગરીબ બાળકોને અન્ય પ્રવૃત્તિઓ વિશે પણ માર્ગદર્શન આપી રહ્યા છે.
- બટુક ભોજનની સાથોસાથ સંસ્કાર સિંચન કેન્દ્ર પણ ચલાવતા સેવાભા‌વીઓનો અનોખો સેવાયજ્ઞ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ બહારગામના ગરીબ દર્દીઓના પરિવારજનો અને તેમની સાથે હોસ્પિટલમાં રહેતા સગાંસબંધીઓ માટે નિ:શુલ્ક રસોડું ચલાવતા સેવાભાવીઓએ એકવખત રસોઇ વધુ થઇ જતાં તેનો બગાડ ન થાય અને યોગ્ય સ્થળે તેનો ઉપયોગ થાય તે માટે રૈયાધારના સ્લમ વિસ્તારમાં જમવાનું લઇને પહોંચ્યા હતા ત્યારે ખબર પડી કે રૈયાધાર સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને સોમવારથી શનિવાર સુધી શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી જમવાનું મળી રહે છે, પરંતુ રવિવારે તેમને સ્કૂલમાં રજા હોવાથી અને તેમના માતા-પિતા મજૂરી કામે જતા હોવાથી તેઓ ભૂખથી ટળવળતા હોય છે.

આથી જમવાનું આપવા ગયેલા સેવાભાવીઓએ તાત્કાલિક રૈયાધારમાં દર રવિવારે 500 ગરીબ બાળકો માટે ભાવતા ભોજનિયા પીરસવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકી દીધો હતો. બાળકો માટે બટુક ભોજનનો પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તેમના આ ભગીરથ કાર્યમાં આર્ટ ઓફ લિવિંગના કાર્યકરો પણ જોડાયા હતા અને તેમણે બાળકોમાં કેળવણી, ધર્મ, સ્વાસ્થ્ય સંભાળ, રમતગમત પ્રત્યે અભિરુચી કેળવાય તે માટે સંસ્કાર સિંચન કેન્દ્ર પણ શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે આ સેવાયજ્ઞની સુવાસ પ્રસરતા અનેક વિદ્યાર્થીઓ પણ આ કાર્યમાં જોતરાયા છે અને હવે આ પ્રોજક્ટની સુવાસ એટલી બધી પ્રસરી ગઇ છે કે હવે દાતાઓ વેઇટિંગમાં હોય તેવી પરિસ્થિતિ ઘણીવખત સર્જાઇ છે.
ક્ષત્રિય મંડળે પણ પ્રોજેક્ટ શરૂ કર્યો
રૈયાધારના પ્રોજેક્ટની માહિતી મળ્યા બાદ રેલનગરના ક્ષત્રિય મંડળના સભ્યો તેની રૂબરૂ મુલાકાતે ગયા હતા ત્યારે આ પ્રોજેક્ટથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે પોતાના વિસ્તારમાં ગરીબ બાળકો માટે તાત્કાલિક ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરી દીધો હતો.
ગરમ કપડાં અને ચંપલનું વિતરણ
રૈયાધારના બટુક ભોજન અને સંસ્કાર સિંચન કેન્દ્રની ખ્યાતિ સાંભળી રૂબરૂ આવતા દાતાઓએ ગરીબ બાળકોની પરિસ્થિતિ જોયા બાદ શિયાળામાં ગરમ કપડાં અને ઉનાળામાં ચંપલનું વિતરણ પણ શરૂ કર્યું છે.