પ૦ લાખ લઇ આવવાનું કહી પરિણીતાને મારકૂટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસબીઆઇમાં ઇન્સ્યુરન્સ વિભાગના બ્રાંચ મેનેજર પતિ સહિ‌ત છ સામે ગુનો નોંધાયો
શહેરના કલ્યાણનગરમાં રહેતી ગરાસિયા પરિણીતાને પિયરમાંથી રૂ.પ૦ લાખ લઇ આવવાનું કહી પતિ સહિ‌તના સાસરિયાંઓએ મારકૂટ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
એરપોર્ટ રોડ પરના કલ્યાણનગરમાં રહેતી ગરાસિયા પરિણીતા સંગીતાબા વાઘેલા (ઉ.વ.૨૮)એ મહિ‌લા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ ગજેન્દ્રસિંહ દીલુભા વાઘેલા, સસરા દીલુભા, સાસુ ક્રિષ્નાબા અને નણંદો અરણિયા ગામે રહેતા જાગૃતિબા ઝાલા, મવડી પ્લોટમાં રહેતા દિવ્યાબા જાડેજા તથા સમઢિયાળા ગામે રહેતા પુષ્પાબા ગોહિ‌લનું નામ આપ્યું હતું.
સંગીતાબાના લગ્ન છ વર્ષ પૂર્વે થયા હતા. અને તેનો પતિ ગજેન્દ્રસિંહ કાલાવડ એસબીઆઇમાં ઇન્સ્યુરન્સ વિભાગમાં બ્રાંચ મેનેજર છે. અને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. ગરાસિયા પરિણીતા અગાઉ બે વર્ષ પિયર રિસામણે બેઠી હતી. મકાન બનાવવા માટે પિયરમાંથી રૂ.પ૦ લાખ લઇ આવવાનું કહી પતિ સહિ‌તના સાસરિયાંઓ ત્રાસ આપતા હતા. શનિવારે રાત્રિના પતિ અને સાસરિયાંઓએ ફરીથી પ૦ લાખની માગ કરી લાકડી-ઢીકાપાટુ મારતાં ઘવાયેલી પરિણીતા હોસ્પિટલના બિછાને પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મિલકત મુદ્દે જેઠ-જેઠાણીએ પરિણીતાને ધમકી આપી
બ્રાહ્મણિયાપરામાં રહેતી પરિણીતા દમયંતીબેન દિનેશભાઇ કાપડિયા (ઉ.વ.૩પ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેઠ ચંપક રામજી કાપડિયા, જેઠાણી રસીલા અને તેના બે પુત્ર નીલેશ તથા નિરવના નામ આપ્યા હતા. દમયંતીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિલકતના ભાગ બાબતે આરોપીઓએ ઝઘડો કરી મારકૂટ કરી હતી.