રાજકોટમાં ગુનેગારો બેફામ, પોલીસ નાકામ : ૫ લૂંટના ભેદ અકબંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૮ માસ પહેલા ચૌધરી હાઇસ્કૂલ પાસે વ્હોરા વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી ૯.૫૬ લાખની લૂંટ
- દાણાપીઠના વેપારીને એરપોર્ટ નજીક આંતરી મરચાંની ભૂકી છાંટીને ૩ લાખની લૂંટ
- ત્રણ માસ પૂર્વે ગોંડલ રોડ ઉપર આંગડિયા કર્મચારીને રિક્ષાની ઠોકરે ચડાવી ૬ લાખની રોકડ ભરેલા થેલાંની લૂંટ
- ટ્રકના ડ્રાઇવર-કલીનરને ભડાકે દઇ રૂપિયા ૧૪ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
- સપ્તાહ પૂર્વે બેન્કમાંથી નાણાં ઉપાડીને બાઇક ઉપર લાતિપ્લોટ જઇ રહેલા વૃધ્ધ રસિકભાઇ અઢિયાને તાર ઓફિસ નજીક બાઇકની ઠોકરે પછાડી દઇ ૮.૫૦ લાખના રોકડ ભરેલા થેલાની લૂંટ


શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે અપરાધીઓ બેલગામ બન્યા છે. ચોરી, ચીલઝડપ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ રોજિંદા બની જતાં પ્રજા અસલામતી અનુભવી રહી છે. વર્ષના પ્રારંભે ડ્રાઇવર, ક્લિનરને ભડાકે દઇ ૧૪ લાખના પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકનો ભેદ ઉકેલાયો નથી. અગાઉ પણ આ ઢબે થયેલી માતબર રકમની પાંચ લૂંટના ભેદ વણઉકેલ રહ્યા છે આ સંજોગોમાં લુંટારાઓએ ૬૦ લાખની લૂંટને અંજામ આપીને પોલીસની રહી-સહી આબરુના ધજિયા ઊડાવી દીધા છે.

- પોલીસ આટલા મુદ્દે તપાસ કરી રહી છે

- પાર્સલ લઇને નીકળ્યા ત્યારથી સફેદ કારમાં પીછો થઇ રહ્યો છે તેવી જાણ હતી છતાં, ગાફેલ કેમ રહ્યા.
- ફરિયાદીના બયાન મુજબ કારને રેસ કર્યા પછી બાઇકને ઠોકર મારવામાં આવી હતી જો કે, બાઇકમાં નુકસાન કે તૂટ-ફૂટના કોઇ ચિહ્ન નથી.
- ફરિયાદીના જેકેટ અને બાઇક ઉપરથી મરચાંની ભૂકી મળી આવી છે. પરંતુ, મરચાંની ભૂકી છાંટી હોવાની ફરિયાદીને ખબર જ નથી !
- સામાન્ય રીતે અપરાધીઓ ભય ઊભો કરવા હથિયાર બતાવતા હોય છે. પરંતુ, આ લૂંટમાં એક પણ આરોપી પાસે હથિયાર ન હતું.
- રોજ ૫૦૦ ગ્રામથી એક કિલોના ઘરેણાં લેણ-દેણ થતી હતી. અત્યાર સુધીમાં પહેલી વખત સૌથી વધુ બે કિલો ઘરેણાંના પાર્સલ આવ્યા અને એ જ દિવસે લૂંટ થઇ.
- ફરિયાદી અને તેના સાળા તેમજ કર્મચારી વિજયપાલ ફ્લેટમાં રહે છે, સાત દિવસ પહેલા જ ચોથો વ્યક્તિ સાવરમલ સાથે રહે છે. સાવરમલ મૂળ રાજસ્થાનનો છે અને મુંબઇ નોકરી કરતો હતો તે હવે, ઇંદોર જતા પહેલા અહીં રોકાયો છે. ફરિયાદી સહિત ચારેયની પૂછપરછ ચાલુ છે.

- ૬ લાખની લૂંટને પોલીસે ચોરીમાં ખપાવી હતી

ત્રણેક માસ પૂર્વે ગોંડલ રોડ પર આવેલી આંગડિયા પેઢીના કર્મચારી રાતે ૬ લાખની રોકડ થેલીમાં ભરીને પેઢીની સોનીબજારમાં આવેલી મુખ્ય શાખમાં જમા કરાવવા જઇ રહ્યા હતા. લોધાવાડ ચોક-માલવિયા ચોક વચ્ચે રિક્ષાચાલક એકિટવાને ઠોકર મારીને પછાડી દઇ છ લાખની રોકડ ભરેલો થેલો લૂંટીને નાસી ગયો હતો. જો કે પોલીસે લૂંટના બદલે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. સપ્તાહ પૂર્વે તાર ઓફિસ નજીક પણ વૃધ્ધને પછાડી દઇને ૮.૫૦ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ કરાઈ હતી.

- બરાબર એક વર્ષ પૂર્વે ૧.૭૫ કરોડની લૂંટ થઇ હતી

બેડીનાકામાં આજથી એક વર્ષ પહેલા તા. ૫ ફેબ્રુઆરીના રોજ શસ્ત્ર ટોળીએ રાજસ્થાની કર્મચારીઓને બંધક બનાવી ૧.૭૫ કરોડની કિંમતના સોનાના ૯ કિલો ઘરેણાંની લૂંટ ચલાવી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી પેઢીના જ કર્મચારી શ્રીપાલ ઉર્ફે શિવિંસગ ચૌધરી, થાનારામ, કૃષ્ણપાલસિંહ, હેમારામ, દિપેન સોલંકી અને મેથ્યુસ કિશ્વિનની ધરપકડ કરી હતી.

- સ્થાનિક શખ્સની સંડોવણીની શંકા

લુટારુઓએ અંદરની કોઇ વ્યક્તિની’ ટીપ’ ઉપરથી કાવતરાને અંજામ આપ્યો હોવાની શક્યતા વધું છે. કારણ કે જય અંબે પાર્સલ સર્વિસમાં પહેલી વખત સોનાના બે કિલો જેટલા ઘરેણાનાં પાર્સલ આવ્યા હતા. તેમજ લૂંટનો અંજામ આપીને લુટારાઓ જે રીતે રસ્તો પકડયો હતો એ જોતા લૂંટમાં સ્થાનિક વ્યક્તિની સંડોવણીની શક્યતા વધુ છે. હાલ સીસીટીવીના ફૂટેજ અને કોલ ડિટેઇલના આધારે તપાસ ચાલુ છે. બી.ડી.રબારી (એસીપી)

- કારની નંબરપ્લેટ બોગસ, આણંદ આરટીઓથી માહિતી મગાવાઇ

લુટારુઓ જી. જે. ૨૩-૨૩૧૧ નંબરની સફેદ વેગન આર કાર લઇને કાવતરું પાર પાડી ગયા હતા. પોલીસે આણંદ આર. ટી. ઓ. માંથી માહિતી મગાવી હતી. ઉપરોકત નંબરની બે સફેદ વેગન આર હોવાનું અને એ બન્ને કાર આજે તેના મૂળ માલિક પાસે જ હોવાનું બહાર આવતા લુટારુઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા બોગસ નંબરપ્લેટ લગાવી હોવાનું મનાઇ છે.