લોકસાહિત્ય ક્ષેત્રમાં હવે મશાલો આપવી જરૂરી : બાપુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડો. આચાર્યને એવોર્ડ એનાયત કરતાં મોરારિબાપુ સહિતના મહાનુભાવો.)
ડો.શાંતિભાઇ આચાર્યને મોરારિબાપુના હસ્તે મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ એનાયત
લોકસાહિત્ય ડાયરા અને ગીતો ગાવા કે મનોરંજન માટે નથી : ડો. શાંતિલાલ આચાર્ય
જે શબ્દો પાછળ ભક્તિ, પ્રતાપ, તેજ અને બળ હોય તે શબ્દો બળવાન બને છે
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા રવિવારે આત્મીય એન્જિનિયરિંગ કોલેજના સભાગૃહમાં ચોથો મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ સમારોહ યોજાયો હતો અને સંત મોરારિબાપુના હસ્તે ડો.શાંતિભાઇ આચાર્યને લોકસાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ-2014 અર્પણ કરાયો હતો.આ પ્રસંગે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણીના નામ સાથે આ એવોર્ડ અપાય છે ત્યારે જેને એવોર્ડ મળ્યો છે તેમનું વંદન કરવું જોઇએ. ડો. શાંતિભાઇએ મેઘાણીની પરંપરાનું જતન કર્યું છે. આ લોકપૂજિત વ્યક્તિત્વ આપણી પાસે વિદ્યમાન છે.
નાભીથી ઊઠેલો શબ્દ તેના સ્થાને પહોંચે ત્યારે ચાર કેન્દ્રો પસાર કરે છે. જે ચાર લક્ષણોવાળા શબ્દોમાં ભક્તિ, પ્રતાપ, તેજ અને બળ હોય તે જ શબ્દો બળવાન બનતા હોય છે. લોકસાહિત્યના ક્ષેત્રમાં હવે શાલ આપવાનું બંધ કરી મશાલો આપવાની જરૂર છે.ડો. બળવંત જાનીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ડો. શાંતિભાઇ આચાર્ય અલિયાબાડામાં ડોલરરાય માંકડના માર્ગદર્શન હેઠળ સાહિત્યની કપરી સફર શરૂ કર્યા બાદ એવા ક્ષેત્રમાં કામ કર્યું જ્યાં, ખ્યાતિ બહુ ઓછી મળે અને ધૂળ ધોયાનું કામ કરવું પડે. ખરા અર્થમાં ઝવેરચંદ મેઘાણી એવોર્ડ આજે ધન્ય થયો છે.ડો.શાંતિભાઇ આચાર્યે જણાવ્યું હતું કે, લોકસાહિત્યનું કામ લોકો પાસે ગયા વગર થઇ શકે નહીં, લોકસાહિત્ય ડાયરા માટે, ગીતો ગાવા માટે કે મનોરંજન માટે નથી. લોકો જે બોલે તેને ઉતારો તો લોકસાહિત્ય કહેવાય, તેને આઘુંપાછું કરી શકાય નહીં. ભાષાજ્ઞાન મારે ભાગે આવેલું છે તેથી આ ફરજ બજાવું છું.