રાજકોટ: શાનનું એક ગીત 4166માં પડશે! અડધા કરોડનું આંધણ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આજે મનપાના 41મા સ્થાપનાદિન નિમિત્તે રેસકોર્સમાં રંગારંગ કાર્યક્રમ, અડધા કરોડનું આંધણ થશે
- રખડતાં ઢોર, ગંદકી, શૌચાલયનો અભાવ અનેક અટવાયેલા વિકાસ કામો વચ્ચે જલસો કરાશે

રાજકોટ: રાજકોટમાં એકબાજુ સ્માર્ટ સિટી હેઠળ સફાઇ સહિતની કામગીરી ચાલી રહી છે અને બીજીબાજુ આગામી ચોમાસા સુધી પીવાના પાણીની ગંભીર કટોકટી તોળાઇ રહી છે. આવી હાલત વચ્ચે કરકસર કરવાના બદલે મનપા તંત્રે પ્રજાને મનોરંજન અાપવાના નામે મોંઘોદાટ વહીવટ કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. મનપાના 41મા સ્થાપનાદિન નિમિત્તે બોલિવૂડના સિંગર શાનની મ્યુઝિકલ નાઇટ માટે રૂ.અડધા કરોડનો ખર્ચ થવાનો છે. બે કલાકના કાર્યક્રમમાં શાનનું એક ગીત નાગરિકોને રૂ.4166માં પડવાનું છે.

રાજકોટમાં એકબાજુ સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ગંદકી, ઢોરની સમસ્યા અને વર્ષો જૂની પાણીની સમસ્યાનો નિવેડો લાવવામાં મનપા નિષ્ફળ નીવડી છે અને બીજીબાજુ નાગરિકોને મનોરંજન આપવાના નામે મોંઘાદાટ કલાકારોને બોલાવીને રંગારંગ કાર્યક્રમોના ખર્ચનો વહીવટ કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. મનપાના 41મા સ્થાપના દિવસે બોલિવૂડના ગાયક કલાકાર શાનની મ્યુઝિકલ નાઇટનું આયોજન કર્યું છે, તેમાં ગાયક કલાકાર શાન સાથેના વૃંદ ઉપરાંત ડોમ, મ્યુઝિકલ સિસ્ટમ, મંડપ સર્વિસ સહિતના વધારાના ખર્ચ સહિત રાજકોટની જનતાને આ કાર્યક્રમ રૂ.અડધા કરોડમાં પડવાનો છે.

પ્રજાને સ્વચ્છતા, ઢોરવિહોણા માર્ગ, પૂરતું પાણી સહિતની પ્રાથમિક સુવિધા મળે તો આવા મોંઘાદાટ રંગારંગ કાર્યક્રમોનો લોકો ખરા દિલથી આનંદ માણી શકે. આ બધી સમસ્યા પાછળ મહત્તમ ખર્ચ કરીને શહેરીજનોને તેમાંથી ઉગારવામાં આવે એ જરૂરી છે. માત્ર 2 કલાકના કાર્યક્રમ પાછળ રૂ.50 લાખથી વધુનો ખર્ચ થવાનો છે. એકબાજુ કરકસરની મોટી મોટી વાતો કરે છે અને બીજીબાજુ બિનજરૂરી ખર્ચ છુટ્ટા હાથે કરવામાં પાછું વળીને જોવામાં આવતું નથી.

ગત સ્થાપનાદિને સુરેશ વાડેકરે માત્ર ત્રણ ગીત ગાઇને સ્ટેજ છોડી દીધું હતું

મનપાના ગત 40મા સ્થાપનાદિને સુરેશ વાડેકરની મ્યુઝિકલ નાઇટ ગોઠવવામાં આવી હતી. સ્થાનિક ઓરકેસ્ટ્રા તેમને માફક ન આવતાં માત્ર ત્રણ ગીત ગાયને સ્ટેજ છોડી દેતાં રાજકોટની જનતા નારાજ થઇ હતી. એ સમયે પણ લાખોનો ખર્ચ પાણીમાં ગયો હતો. સુરેશ વાડેકરના બદલે તેમના શિષ્યને સ્ટેજ પર ચડાવીને બાકીનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો.